
અમદાવાદ, તા.૪
શહેરના બહુચર્ચિત વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં ૪ વર્ષની લાંબી કાનૂની લડત બાદ ગતરોજ બુધવારે આરોપી વિસ્મય શાહ અને મૃત્યુ પામેલા રાહુલ અને શિવમના પરિવારે વળતર મેળવી સમાધાન કરી લીધુ છે. ત્યારે સમાધાનની ફોર્મ્યુલા પર હાઈકોર્ટ ચૂકાદાના સમયે પોતાનો દૃષ્ટિકોણ જણાવશે. આ સુનાવણી દરમ્યાન સમજૂતીની એફિડેવીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી ત્યારે હવે મૃતકના પરિવારજનો વિસ્મય સામે ફોજદારી કાર્યવાહી નહી કરે. હવે હાઈકોર્ટ આ કેસનો ચૂકાદો વિસ્મય શાહના મેરીટને આધારે કરશે. આ કેસ અંગેની વિગતો એવી છે કે ર૦૧૩ની ર૪મી ફેબ્રુઆરીની રાત્રે અમદાવાદના જજીસ બંગલા પાસે વિસ્મય શાહની કારની ટક્કરથી શિવમ અને રાહુલ નામના બે યુવાનો મૃત્યુ પામ્યા હતાં ત્યારે આ કેસ કોર્ટમાં ચાલતાં કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના પ્રેમચંદનગર રોડ પર ર૪મી ફેબ્રુઆરી ર૦૧૩ની મોડી રાત્રે બીએમડબલ્યુ કાર હંકારનાર વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતાં. વિસ્મય શાહ તેની બીએમડબલ્યુ ૧૧ર કિમીની ઝડપે ચલાવી રહ્યો હતો. ત્યારે શિવમ અને રાહુલ બાઈક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. વિસ્મયે આ બંનેને અડફેટે લીધા હતાં. જેમાં બાઈક પર સવાર શિવમ દવે અને રાહુલ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતુું. આ હિટ એન્ડ રન કેસનો મુખ્ય આરોપી વિસ્મય શાહ ફરાર થઈ ગયો હતો તે બે દિવસ બાદ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકાર હાજર થયો હતો. જો કે આ સમય દરમ્યાન વિસ્મય સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ કેસમાં વિસ્મય શાહ પાંચ વર્ષની જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે.