વિવિધ પક્ષોમાં વહેંચાઈ તાકાત તોડવા કરતાં એક જ પક્ષમાં રહી આગવી ઓળખ ઊભી કરો

ભરૂચ, તા.૧૩
રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચ મુકામે આદિવાસીઓ, દલિતો, લઘુમતીઓ અને પછાત વર્ગના સમાજનું સંમેલન સામાજિક યોદ્ધા અને એડવોકેટ છગન ગોડીગજબારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર બાળા સાહેબ પ્રકાશ આંબેડકર મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા. જેમનો ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ઉદ્‌ઘાટક તરીકે વાલજી પટેલ કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ (અમદાવાદ), ઈકબાલ મિરઝા (જમાતે ઈસ્લામીના અગ્રણી) , બહેચરભાઈ રાઠોડ ( પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ), સિદ્ધાર્થ પરમાર (પૂર્વ ધારાસભ્ય) અને રાષ્ટ્રીય દલિત મહાસંઘના અધ્યક્ષ અનિલ ભગત ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ભરૂચ અને આદિવાસી નેતા તેમજ ઈકરા સંસ્થાના પ્રમુખ અને મહામંત્રી મૌલાના હબીબુર્રહેમાન મતાદાર ઉપસ્થિત રહ્યા હતા. લીમડી ચોક ડો.બાબાસાહેબ આંબેડકર માર્ગથી સવારે ૧૦.૦૦ કલાકે સન્માનયાત્રા પ્રસ્થાન કરાઈ હતી. ભરૂચન આંગણે પ્રથમવાર પધારેલ પ્રકાશ આંબેડકરની સન્માન યાત્રામાં ભરૂચ શહેરના લોકોએ ઠેર-ઠેર સ્વાગત કરી ફૂલહાર પહેરાવી, ગુલદસ્તા, ગુલાબના ફૂલો, ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ જે.પી. કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશ આંબેડકરએ સમાજના લોકોને એકસંપ થવા માટે આહ્‌વાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અન્ય સમાજના લોકો જે રીતે એકતા દાખવી રહ્યા છે. ત્યારે આપણા સમાજના લોકોએ પણ હવે એક વિચારધારા સાથે, લક્ષ્યની ભાવના સાથે મક્કમતાથી એકમંચ પર આવવું જરૂરી છે. અલગ-અલગ પક્ષોમાં વહેંચાઈને આપણી તાકાતને તોડવા કરતા એક જ પક્ષમાં સમેટાઈને પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો સમય આવી ગયો છે, સરકાર દ્વારા લોકોની વાણી સ્વતંત્રતા પર પણ અંકુશ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પોતાના હક્કો માટે અવાજ ઉઠાવનારને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે દલિતો, આદિવાસીઓ, ઓબીસી તેમજ અલ્પ સંખ્યકોએ હવે એકસંપ થઈને પોતાની એકતાને કાયમ કરવી જરૂરી બની છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks