વિવિધ સ્થળોએથી વિવિધ વીજવાયરનો લાખોનો જથ્થો ઉપાડી કામ કર્યા વિના બારોબાર વેચી નાખતાં તપાસની માંગ

માંગરોળ, તા.૧૨
માંગરોળ વીજ ડિવિઝનની ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી તાબાના શીલ ૧૧ કેવી ફિડરમાં વેરીએશ (વિવિધ) લોકેશન અને એસઆઈ સ્કીમ નીચે ૨૦૧૪ની સાલમાં જુદા જુદા નવ પ્રોજેક્ટો અંતર્ગત અંદાજિત સાડા છ લાખની કિંમતનો ઓલ એલ્યુમિનિયમ એલોય વીજ વાયર સહિતના જુદા જુદા માલનો જથ્થો ઉપાડી નિયત સ્થળે કામ કર્યા વિના વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની સિન્ડિકેટ દ્વારા માલનો આ જથ્થો બારોબાર વેચી મારી કામના બિલો મંજૂર કરાવી રોકડી કરી ભાગબટાઈ કરી લીધાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરી ઉચ્ચ સ્તરિય તપાસ માટે એક્ટિવિસ્ટ હમીરભાઈ ધામાએ રાજ્યપાલ એ.પી.કોહલીને કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદમાં જણાવેલ વિગત મુજબ માંગરોળ વીજ ડિવિઝન નીચેના માંગરોળ, ચોરવાડ અને માધવપુર પેટા વિભાગીય કચેરીઓ વિસ્તારમાં રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ નીચે જન સુખાકારી માટે ફાળવવામાં આવતી કરોડોની રકમમાંથી કરવામાં આવતી કામગીરી માટે કામ કર્યા વિના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સિન્ડિકેટ દ્વારા છેલ્લા દસ વર્ષથી કરોડો રૂપિયાના માલનો જથ્થો મેળવી બારોબાર વેચી નાખી બિલો મંજૂર કરાવી નાણાંની ભાગબટાઈ કરી લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આવી જુદી જુદી યોજનાઓ પૈકી સને ૨૦૧૪ની સાલમાં પ્રોજેક્ટ નં.૭૩૫૭૮, ૭૩૫૮૨, ૭૯૯૧૨, ૭૪૩૮૧, ૭૪૧૧૨, ૭૪૩૮૩, ૭૩૫૯૬, ૭૩૫૯૩ તથા ૯૪૯૨૪ સહિતના કુલ નવ પ્રોજેક્ટોમાં શીલ ૧૧ કેવી ફીડરમાં હાઈટેન્શન અને લો ટેન્શન વીજલાઈનો અંતર્ગત કામગીરી હેતુસર વેરીએશ (વિવિધ) લોકેશનના નામે તથા એસઆઈ સ્કીમના નામે કુલ ૩.૮૦ કિ.મી. લંબાઈનો હાઈટેન્શન ઓલ એલ્યુમિનિયમ વીજ વાયર, પ કિ.મી. લંબાઈનો લો ટેન્શન ઓલ એલ્યુમિનિયમ વીજવાયર, ૧૫૩.૫ કિલો ૨.૫ એમએમનો જીઆઈ વાયર, પપ કિલો ૪ એમએમનો જીઆઈ વાયર, ૧૦૦ કિલોથી વધુ જુદા જુદા નટબોલ્ટનો જથ્થો, એંગલો સહિતની જુદી-જુદી અનેક આઈટમોનો મોટો જથ્થો માંગરોળ વીજ ડિવિઝન સ્ટોરમાંથી મેળવી સ્થળ ઉપર કામ કર્યા વિના કોન્ટ્રાક્ટર દ્વારા ઉપાડેલો આ જથ્થો ખાનગી બજારમાં વેચી કામ કરેલ ન હોવા છતાં બિલો મંજૂર કરી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સિન્ડિકેટ દ્વારા ભાગબટાઈ કરી લેવામાં આવેલ હોવાની હકીકતો દર્શાવી આ કૌભાંડમાં બિલો મંજૂર કરવામાં તમામ નિયમોને નેવે મુકાયા હોવાનું જણાવી રિપ્લેશ થયેલ જૂનો વીજ વાયર, એંગલ, જીઆઈ વાયર સહિતનો સ્ક્રેપ તેમજ વાઘેલા માલનો જથ્થો ડિવિઝન સ્ટોરમાં પરત જમા કરાવ્યા વિના અને આવો જથ્થો જમા કરાવ્યાના ગેઈટપાસની નકલો કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરાયેલ બિલમાં રજૂ કરેલ ન હોવા છતાં વીજ કચેરીના ખર્ચ વિભાગ દ્વારા બિલો રજૂ લઈ બેઠે થાળ આંતર ડિવિઝન ક્રોસ ચેકિંગની કાર્યવાહીનો બંધ બારણે રિપોર્ટ મેળવી મંજૂરી સુધીની પ્રક્રિયા પૂરી કરી બિલનો પેમેન્ટ કરી દેવાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી રાજ્યપાલને લખાયેલ પત્રમાં કરવામાં આવી છે અને આ ફરિયાદ સંબંધે તટસ્થ કાર્યવાહી કરવાની માંગ સાથે આ ફરિયાદની નકલો મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, ઊર્જામંત્રી, રાજ્ય તકેદારી આયોગ, એન્ટી કરપ્શન બ્યૂરો તથા ઊર્જા વિકાસ નિગમના ચેરમેન અને વીજ કંપનીના એમ.ડી.સુથાર સહિતનાઓને પાઠવવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts