Ahmedabad

વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગનો ઉકેલ નહીં આવતાં હડતાળની ચીમકી

અમદાવાદ, તા.૧૩
રાજયની વાજબીભાવની દુકાનોના દુકાનદારોને આધારકાર્ડ લીંકઅપ કરવા માટે રાજય સરકાર દ્વારા થઇ રહેલા દબાણ અને રાજયભરના વાજબીભાવના દુકાનદારોની પડતર માંગણીઓના મુદ્દે રાજય સરકારે બાંહેધરી આપ્યા બાદ પાંચ માસ વીતી ગયા પછી પણ કોઇ વ્યવહારૂ ઉકેલ નહી આવતાં હવે ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસીએશને ફરી એકવાર રાજય સરકારને હડતાળની ચીમકી આપી છે. ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસીએશન તરફથી તા.૧૫મી સપ્ટેમ્બરથી ઓકટોબર માસની વાજબીભાવની પરમીટનો બહિષ્કાર કરવાનું જાહેર કરાયું છે અને જો એ પછી પણ ઉકેલ તાકીદે નહી આવે તો, તા.૧લી ઓકટોબરથી રાજયભરના વાજબીભાવના દુકાનદારોની રાજયવ્યાપી હડતાળની ચીમકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ એવા એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, વાજબીભાવના દુકાનદારોની માંગણીઓ અંગે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા સચિવ સંગીતા સિહને અગાઉ વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરી આધારકાર્ડ લીંકઅપની કામગીરીમાંથી વાજબીભાવના દુકાનદારોને મુકિત આપવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં વાજબીભાવના દુકાનદારોને નિગમના કર્મચારીઓ તરીકે ઘોષિત કરવાની માંગ મુખ્ય હતી. વાજબીભાવના દુકાનદારોની પડતર માંગણીઓ મુદ્દે રાજય સરકારે એસો.ને બાંહેધરી આપ્યા છતાં અને આ સમગ્ર મુદ્દે એક કમીટીની રચના કરાઇ હોવાછતાં પાચ મહિના જેટલો સમય વીતી ગયો છે અને હજુ સુધી કોઇ વ્યવહારૂ ઉકેલ લવાયો નથી ત્યારે એસોસીએશનને ફરી એકવાર લડતનું શસ્ત્ર ઉગામવાની ફરજ પડી છે. જેના ભાગરૂપે તા.૧૫મી સપ્ટેમ્બરથી ઓકટોબર માસની વાજબીભાવની પરમીટનો બહિષ્કાર કરાશે અને તા.૧લી ઓકટોબરથી રાજયભરના વાજબીભાવના દુકાનદારોની રાજયવ્યાપી હડતાળ પાડવામાં આવશે.