(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૩
ટયુશન કલાસ ચલાવતા શિક્ષકે પોતાના એકના એક પુત્ર સાથે બે માસ અગાઉ મહી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેવાના ચકચારી બનાવમાં પિતા-પુત્રએ વ્યાજખોરોના ત્રાસને પગલે આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે રૂપિયા ધીરનારની ધરપકડ કરી બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના ગોરવા વિસ્તારનાં ક્રિષ્ણાશ્રેય ફલેટમાં રહેતા અને નજીકનાં રાધાકૃષ્ણ શોપીંગ સેન્ટરનાં સાંઇ ટયુશન કલાસ ચલાવતા ૪૦ વર્ષીય હરીશ પરસોત્તમ પરમારે પોતાના એકના એક પુત્ર સમર્થ (ઉ.વ.૧૩) સાથે ૭ જૂનનાં રોજ મહીસાગર નદીમાં બુસ્કો મારી આત્મહત્યા કરી હતી. પોતાના પતિએ દિકરા સાથે આત્મહત્યા કરવા પાછળ દેવુ વધી જવાનું કારણ પત્ની મિતાબેને પોલીસને જણાવ્યું હતું. પિતા-પુત્રનો મૃતદેહો તા.૮ જૂનનાં રોજ સિંઘરોટ નજીકનાં ચોકારી ગામ પાસેથી મળી આવ્યા હતા. જેને પગલે તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ ચકચારી આત્મહત્યાનાં બનાવમાં પોલીસે તપાસ કરતાં હરીશભાઇ પરમારે ઉંડેરા પાસેની રીલાયન્સ ટાઉનશીપમાં રહેતાં ઓમનદાસ મીથુદાસ સાહુ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. રૂપિયા નહીં ચુકવતા ઓમનદાસે શિક્ષકની આઈ-૧૦ કાર બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. જેથી શિક્ષકે ઉંડેરા ગામમાં રહેતાં મહેબુબ ઉર્ફે ઇકબાલ બાબુભાઇ પરમાર પાસેથી રૂપિયા લઇ આ કાર છોડાવી હતી.
મહેબુબ પણ આપેલ રૂપિયા સામે ઉંચો વ્યાજ વસુલ કરતો હતો. તેને પણ કાર પડાવી લીધી હતી. રૂપિયા આપનાર મહેબુબે ઉઘરાણી કરતાં તેઓના ત્રાસથી કંટાળી શિક્ષકે પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવતા ગોરવા પોલીસે ગઇકાલે મહેબુબ ઉર્ફે ઇકબાલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા હતા.