“વ્યાપમં”ની જેમ જીવલેણ સાબિત થઈ રહ્યું છે “સૃજન”કૌભાંડ : અન્ય એક આરોપીનું મોત

(એજન્સી) પટના, તા.૨૪
બિહારનું બહુ ચર્ચિત સૃજન કૌભાંડ હવે મધ્ય પ્રદેશના વ્યાપમં કૌભાંડ જેવું જ જોવા મળી રહ્યું છે. આ કૌભાંડમાં પણ તપાસ દરમિયાન મોતોનો સિલસિલો શરૂ થઈ ગયો છે. મહેશ શર્મા બાદ હવે આ કૌભાંડના અન્ય એક મુખ્ય આરોપીનું મોત નીપજ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૌભાંડના મુખ્ય આરોપી નવીનનું મૃત્યુ હાર્ટએટેક આવવાને કારણે થયું. કૌભાંડનો પર્દાફાશ થયા બાદ નવીનની સાથે કામ કરનારા દીપક અને પ્રશાંત અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પોલીસ આ બંનેની શોધખોળ કરી રહી છે.
સૃજન સાથે સંડોવાયેલા લોકોનું કહેવું છે કે, મનોરમા દેવી અને વિપિન શર્માની દરેક પ્રવૃત્તિઓની જાણકારી નવીન પાસે રહેતી હતી. તે શરૂઆતથી મનોરમા દેવીની સાથે હતો. તેની પાસે પૈસાની લેવડ-દેવડની સંપૂર્ણ જાણકારી રહેતી હતી. નવીનની નજીક હતો દીપક અને દીપકની નજીક હતો પ્રશાંત. આ ત્રણેયની પાસે કૌભાંડની સંપૂર્ણ જાણકારીઓ રહેતી હતી. દીપક અને પ્રશાંતની પાસે ૨૪ કલાક લેપટોપ રહેતું હતું. આ લેપટોપમાં સૃજનની શરૂઆતથી લઈને તેનો પર્દાફાશ થયો ત્યાં સુધીની તમામ વિગતો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીમાં મનોરમા દેવીના મૃત્યુ બાદ નવીનને એ અનુભૂતિ થઈ ગઈ હતી કે સૃજનનો વેપાર હવે વધારે દિવસો સુધી ચાલવાનો નથી. સૃજનનો વેપાર સંભાળનાર નવીન ત્યારે બીમાર થઈ ગયો, જ્યારે તેને ખબર પડી કે બેંકને પૈસા આપવાના નામ પર વિપિન શર્મા ઠાગાઠૈયા કરી રહ્યો છે. તેને કૌભાંડનો પર્દાફાશ થવાની અનિભૂતિ થઈ ગઈ હતી. અચાનક તેને હાર્ટ એટેક આવી ગયો. ત્યારબાદ પરિજનો અને સૃજનના સહયોગીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા આરોપી મહેશ મંડલનું સહસ્યમય રીતે મોત નીપજ્યું હતું. તે કીડની અને કેન્સરની સારવાર કરાવી રહ્યો હતો. એક અઠવાડિયા પહેલા મહેશની ભાગલપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જો કે ધરપકડ બાદ પણ તેની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરિજનોનો આરોપ છે કે મહેશનું મૃત્યુ જેલ અને પોલીસની બેદરકારીનું પરિણામ છે. મહેશ જિલ્લા કલ્યાણ વિભાગમાં હતો અને આ કૌભાંડ સામે આવ્યા બાદ તેને બરતરફ કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ મહેશના ગામમાં દોઢ એકરનું વિશાળ અને આલીશાન ઘર મળ્યું હતું અને આ ઘરના બાથરૂમમાં પણ એરકન્ડિશનર લાગેલું હતું. આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ મહેશ મંડલના પુત્ર શિવ મંડલ, કે જે જનતા યુનાઈટેડનો નેતા હતો, તેને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks