નવીદિલ્હી,તા. ૯
દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આજે અમેરિકાની મહાકાય કંપની વોલમાર્ટના હાથે વેચાઈ ગઈ હતી. કોર્પોરેટ જગતમાં સૌથી મોટી સમજૂતિ તરીકે આને ગણવામાં આવે છે. આ સમજૂતિ ઉપર છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ૧૬ અબજ ડોલરમાં વોલમાર્ટને ૭૭ ટકા હિસ્સેદારી વેચવા માટે સંમત થઇ ગઇ હતી. ફ્લિપકાર્ટ અને વોલમાર્ટના ટોપ અધિકારીઓની આજે બેંગ્લોરમાં ટાઉનહોલ મિટિંગ યોજાઈ હતી જેમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટના ૭૦ ટકા શેરને ખરીદવાનો નિર્ણય કરી લીધો હતો. ઇ-કોમર્સ કંપનીમાં તેની પકડને વધારે મજબૂત કરવાના હેતુસર ફ્લિપકાર્ટના ફ્રેશ સિક્યુરિટી તરીકે ૨-૩ અબજ ડોલર અથવા તો ૧૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાની યોજના ધરાવે છે. સોફ્ટ બેંકના સીઈઓ માસાયોસી સન દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. આ મિટિંગમાં વોલમાર્ટના સીઈઓ ડગ મેકમિલન સહિત બંને કંપનીઓના ટોપ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે આશરે ૧૩ ખર્વ રૂપિયા મૂલ્યની ફ્લિપકાર્ટ અને દુનિયાની સૌથી મોટી રિટેલ ચેઇન વોલમાર્ટ વચ્ચે થયેલી આ સમજૂતિ ભારતની સૌથી મોટી અધિગ્રહણ સમજૂતિ પૈકીની એક છે.