વાંકાનેરના પંચાસરમાં હાઈવે ઓથોરિટીના કારણે ખેડૂતો પાયમાલ : તંત્ર દાદ આપતું નથી

(સંવાદદાતા દ્વારા) વાંકાનેર, તા.ર૦
વાંકાનેરથી માત્ર પ કિમીના અંતરે આવેલ પંચાસરના પાધરમાંથી નવા બનાવાયેલ બાયપાસ રોડના અણધડ નિર્માણ બાદ પાંચ વર્ગ કિમી એરિયાના વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે આ વિસ્તારના ખેડૂતોના વાડી-ખેતરો દર વર્ષે પાણીમાં ગરક થઈ જાય છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી જાય છે. પરિણામે ખેડૂતોને દર વર્ષે લાખોની નુકસાની વેઠવાની સાથે ડૂબી જતાં રસ્તાઓના કારણે પણ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આ બાબતે વારંવાર હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ ઉપરાંત સ્થાનિક મામલતદાર ડે. કલેક્ટર અને કલેક્ટર સુધી રજૂઆત કરવા છતાં દર વર્ષે માત્ર આશ્વાસન અપાય છે. કોઈ નક્કર કામગીરી હાથ ધરાતી નથી. દર ચોમાસે વરસાદ બાદ ગ્રામજનોની રજૂઆત બાદ સરકારી બાબુઓ સરકારી ગાડીઓમાં આવી સ્થળ તપાસ કરી આશ્વાસનો આપી જતાં રહે છે. ૧૦ વર્ષથી દર ચોમાસે આ પ્રક્રિયા દોહરાય છે. છતાં આજ સુધી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે ગ્રામજનોની ધીરજ ખૂટી છે. રોડ ખોદી નાંખવો કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના વિકલ્પો સાથે તંત્રને ઢંઢોળતા રહે છે. પરંતુ નિંભર તંત્રનું વારંવારના અલ્ટીમેટમ છતાં પેટનું પાણી સુદ્ધાં હલતું નથી. તો બીજી તરફ પાણીમાં ગરક થઈ જતા ખેતરોમાં વાવણી થઈ શકતી નથી અથવા તો વાવેલો ઊભો પાક સતત પાણીમાં ડૂબી રહેવાના કારણે નિષ્ફળ જાય છે. પરિણામે ખેડૂતોમાં આ બાબતે આક્રોશ વધતો જાય છે. દર વર્ષે ખેડૂતોના ખાતર-બિયારણનો ખર્ચ માથે પડે છે. ઉપજ ન મળવાના કારણે લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડી રહી છે. છતાં ગુડ ગવર્નિંગના દાવા કરતી સરકારમાં ખેડૂતો કોઈ ગુડવર્ક કરવામાં આવતું નથી. નજીકના રહેણાંક મકાનો પણ ચારેય ફરી વળતા પાણીના કારણે ટાપુમાં ફેરવાઈ જાય છે. પરિણામે સ્કૂલે જતા બાળકો, દૂધના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને સવાર-સાંજ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સ્થાનિક અને તાલુકાના આગેવાનો પણ આ બાબતે અગમ્ય કારણોસર ઉદાસીન વલણ ધરાવતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે એ પણ પીડિત ખેડૂતો માટે નિરાશાજનક બાબત બની રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks