સંતરામપુરના સાતકુંડાના ધોધ જોઈને કુદરત ઉપર આફરીન પોકારી જવાનું મન થાય
અહીં દુષ્કાળનાં વર્ષોમાં પણ પાણી સૂકાતંુ નથી : પ્રવાસન અને ફિલ્મ ઉદ્યોગ માટે રમણીય સ્થળ પૂરવાર થઈ શકે તેમ છે
(તસવીર અને અહેવાલ : શહેઝાદ શેખ, લુણાવાડા)
(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.૧
પ્રકૃતિપ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતિય ભેટ છે પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દૃશ્ય મનમોહિત કરી દે છે. સંતરામપુર તાલુકાના સાતકુંડાના ધોધ જોઈને કુદરત ઉપર આફરિન પોકારી જવાનું મન થઈ જાય ! આવા અદ્ભૂત દૃશ્યને માણવું એક લ્હાવો છે.
લુણાવાડાથી લગભગ ર૦ કિ.મી.ના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા આમ તો ત્રણ તાલુકા ત્રિભેટે છે. લુણાવાડા તાલુકો ઉપરાંત પંચમહાલ જિલ્લાનો શહેર તાલુકો પણ નજીક છે.
પૂછ્યા વગર ન પહોંચાય તેવી રસ્તાની ભૂલભુલામણીમાં સાતકુંડાની નજીક પહોંચો એટલે અવિરત પડતાં ધોધનો અવાજ સ્વયંભૂ તે તરફ ખેંચી જાય છે. દૂરથી દોડીને ધોધની નજીક પહોંચી જવાનું મન થાય તેવા આ રમણીય સ્થળ પર સૌથી છેલ્લો કુદરતી સાતમો કુંડ પસાર કરી બીજી તરફ થોડા પગથિયાં ચઢીને ઉપર જાવ તો ત્યાં આવેલ ગુફામાં પ્રવેશો, સતત ઉપરના પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે. ગુફાની બહાર થોડે દૂર નાની બીજી ગુફામાં પૌરાણિક ભગ્ન અવશેષો પ્રાચીનકાળની સ્થળની ખ્યાતિની શાખ પૂરે છે.
પાણીના ધોધના અવાજના કારણે સ્વયંભૂ મૌનવ્રત પાળવું પડે અથવા બૂમો પાડી બોલવું પડે, કોઈના શબ્દો નહીં, અહીં કુદરત બોલે છે. જેમ ઉપર જઈએ તેમ નાના થતાં કુદરતી કુંડ આવેલા છે. પ્રકૃતિની ગોદમાં બેસીને ધવલ પાણીની સાથે લીલીછમ્મ હરિયાળી, નીલરંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક અલૌકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે ! ઉંચાઈએથી પડતાં ધોધનું દૃશ્ય એકવાર જોયા પછી સ્મૃતિમાં હંમેશા માટે અંકિત થઈ જાય છે.
મેળો :
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ફાગણ સુદ અગિયારસ જે આંબલી અગિયારસ તરીકે ઓળખાય છે તે દિવસે અહીં મેળો ભરાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
વિશેષતા :
આ સ્થળની વિશેષતા એ છે કે દુષ્કાળના વર્ષોમાં પણ પાણી સુકાતું નથી. સાત કુંડ સુધી પાણીની આવક નિરંતર વહે છે. પૃથ્વી પરનું અમૃત એટલે જળ અને તેની અછતના વર્ષોમાં નિરંતર અસ્ખલિત વહેતા રહેવાના કારણે કુદરતની કૃપા દૃષ્ટિને પરિણામે આસપાસના વિસ્તારના લોકોની શ્રદ્ધા આમા સંકળાયેલી છે.
સમસ્યાઓ અને સમયની માંગ :
– અહીં પહોંચવાનો માર્ગ સરળ નથી, ઠેકઠેકાણે તૂટી ગયેલા રસ્તાઓ સમારકામ માંગે છે. અહીં બેસવાની સુવિધા માટે બાંકડાઓ, ચા-પાણી, નાસ્તો, શૌચાલય જેવી પ્રાથમિક વ્યવસ્થાની જરૂર છે.
– અજાણ્યા આ સ્થળ પર બહારથી આવેલા અજાણ્યા પ્રવાસીને જાણકારીના અભાવે અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિક ગાઈડ જરૂરી છે.
– પર્વતારોહકો, એડવેન્ચર કલબ માટે સ્થળ બની શકે તેમ હોઈ આ અંગે તંત્ર વિચારણા હાથ ધરે તો સ્થળના વિકાસની દિશામાં સારૂં પગલું ગણાશે.
– મહિસાગર જિલ્લો મોટી જીઆઈડીસી વગરનો છે. આ જિલ્લાના કલેશ્વરી, વાવકુવા ધોધ, માનગઢ, ડાયનાસોર પાર્ક, ભીમ ભમેડો, નદીઓ પર્વતમાળાઓ જેવા અનેક સ્થળો કુદરતી સૌંદર્યથી ભરપૂર ફિલ્મ ઉદ્યોગને તથા પ્રવાસન માટે અનુકૂળ છે. તેમાનું આ એક સ્થળ સાતકુંડા પણ આ સ્થળોની સાથે એ રીતે વિકસાવવામાં આવે તો સ્થાનિક રોજગારી જિલ્લાના ગૌરવશાળી નામ સાથે જિલ્લાના વિકાસની નવી કેડી કંડારશે તેમાં બેમત નથી.
વન વિભાગ પણ અત્રે કાર્યરત છે અહીંની વનમંડળીના સભ્યો પણ પ્રયત્નશીલ છે. સ્થાનિકોની પણ સુવિધા વધારવા માંગ છે જરૂર છે વિકાસની, મહીસાગરના ખોળે છૂપાયેલું આ પ્રકૃતિની અણમોલ ભેંટ સમાન રતન જો સૌની નજરે ચઢશે તો જોનારા પણ બોલી ઉઠશે. “કુછ દિન તો ગુજારો મહિસાગર મંે”