મજીદને ગુમ કરનારાઓએ IPS ડી.જી.વણઝારાનો જેલવાસ યાદ રાખવો રહ્યો

ભૂજ, તા.૩૧
ભૂજનો મજીદ આમદ થેબા નામનો યુવાન તા.૧૯/૭ના રોજ પોલીસ સાથેની ઝપાઝપી બાદ ગૂમ થવાના પ્રકરણમાં મજીદનો પતો મેળવવાની કાનૂની અને લોકશાહી ઢબની લડાઈ ધીમે ધીમે હવે વધુ ઉગ્ર બનતી હોય તેમ ભૂજ ખાતે તા.૩૧/૮ના રોજ એક કાર્યક્રમમાં આ લડતને વધુ સક્રિય કરવાના આહ્‌વાન વચ્ચે દિલ્હી સુધી લઈ જવાનો અણસાર અપાયો હતો.
‘મજીદ ખોજ યાત્રા લડત’ સમિતિના નેજા હેઠળ ભૂજના આંબેડકર ભવનમાં શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં મંચસ્થ વકતાઓએ ભાજપ સરકાર અને પોલીસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
અમદાવાદથી ઉપસ્થિત રહેલ એડવોકેટ સમશાદ પઠાણે જણાવ્યું કે, મજીદને શોધવા માટેની લડાઈ માત્ર જવાબદાર અધિકારીઓ સામે છે. તેમ જણાવી તેમણે ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ખૂલ્લો આક્ષેપ કરતાં કહ્યં કે, આજે લોકશાહી ખતરામાં છે અને સત્તાનો દુરૂઉપયોગ થઈ રહ્યો છે તેમ કહી તેમણે હાલમાં જ કેટલાક એક્ટિવિસ્ટોની થયેલી ધરપકડનો મુદ્દો ટાંક્યો હતો. તેમણે વર્તમાન પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડતાં કહ્યું કે, ‘હાલમાં પોલીસ અને સરકારની ચમચાગીરી કરતી ટી.વી.ચેનલો કહે તે વ્યક્તિ ગુનેગાર તરીકે ચીતરાઈ જાય છે.
મજીદને ગૂમ કરવામાં જે પોલીસ અધિકારીઓની ભૂમિકા છે તે લોકોએ પૂર્વ પોલીસ અધિકારી ડાયાજી ગબાજી વણઝારા (ડી.જી.વણઝારા)ના જેલવાસને યાદ રાખવો રહ્યો.
દલિત મુસ્લિમ એકતા મંચના અબ્દુલ અહદ પઠાણે કહ્યું કે પોલીસ એવો દાવો રજૂ કરે છે કે ગૂમ થનાર મજીદની હિસ્ટ્રી સારી નથી…?
તેમણે ખૂલ્લો આક્ષેપ કર્યો કે ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કચ્છ બેઠક જીતવા માટે ભાજપ સરકાર કચ્છમાં બે કોમ વચ્ચે તંગદિલી ઊભી કરવાના પ્રયાસમાં છે.
મજીદ પ્રકરણમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું હજી એક પણ નિવેદન નથી આવ્યું તેમ જણાવી આરોપ મૂકતા તેમણે કહ્યું કે, કચ્છની ગૌચર જમીનો વેચી-વેચીને આ લોકો આગળ સુધી પહોંચ્યા છે.
વધુમાં મજીદ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલ હેબિયર્સ કોપર્સની સુનાવણી તા.૬/૯ના છે તેમ જણાવી કહ્યું કે, ત્યાર પછી પણ મજીદ નહીં મળે તે વગર મંજૂરીએ પણ મજીદ ખોજ યાત્રા નીકળશે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પાણી ઉતારી દઈશું.
બહુજન મુક્તિ ક્રાંતિ મોરચાના નારણ ગરવાએ જણાવ્યું કે, દેશને આઝાદ થયાના ૭ર વર્ષ પછી પણ વંચિતોને શું મળ્યું ? હાલમાં બ્રાહ્મણવા ચાલે છે તેમ કહી તેમણે કહ્યું કે, વ્યવસ્થામાં પરિવર્તન લાવવું પડશે.
મજીદ ખોજ યાત્રા સાથે સંકળાયેલા સુફિયાન રાજપૂતે વકતવ્ય આપતાં જણાવ્યું કે, અવાજ નહીં ઊઠાવો તો દરેક જણ ભોગ બનતા રહેશે. આજના કાર્યક્રમમાં લોકોની ખૂબ જ જૂજ સંખ્યા જોઈને તેમણે કહ્યું કે, આપણે માત્ર તાજિયાઓમાં જ દેખાનારી કોમ છીએ ?
આ કાર્યક્રમમાં કચ્છના મુસ્લિમ સમાજના જવાબદાર પ્રમુખો – રાજકીય-સામાજિક અગ્રણીઓની બિલકુલ ગેરહાજરી જોઈને સુફિયાન રાજપૂતે કહ્યું કે, આપણા નેતાઓને સમાજ પ્રત્યેની તેઓની ભૂમિકા સ્પષ્ટ કરવા તેઓને પ્રશ્ન પૂછવા પડશે.
આ દરમ્યાન ભૂજ ખાતેથી મજીદ ખોજયાત્રા લડાઈ લડનારા ભૂજના સામાજિક યુવાનો મોહસીન હિંગોરની અને શકીલ સમાએ આ પ્રકરણની અત્યાર સુધીની વિગતો આપી હતી અને આ લડાઈમાં સહયોગની અપીલ કરી હતી.
ખુદ મુસ્લિમ સમાજમાંથી જ મજીદના ગુનેગાર ઈતિહાસ ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે તે માટે સ્પષ્ટતા કરતાં શકીલ સમાએ કહ્યું કે, મજીદ ગુનેગાર છે તે ચોક્કસ પરંતુ પોલીસ તેને કોર્ટમાં હાજર કરે તે માંગ છે અને મજીદના ગર્ભવતી પત્ની આશીયાનાબાનુને માર મારનાર પોલીસ સામે કાર્યવાહી માટે અમારી લડાઈ છે.
તેમણે સમાજના નેતાઓ પોલીસ અને પાર્ટીની ચાંપલૂસી કરે છે તેમ જણાવી કહ્યું કે, મજીદ પ્રકરણ એક માત્ર એવું પ્રકરણ નથી કે જેમાં માત્ર આવેદનપત્ર આપીને થંભી નથી ગયું.

કાર્યક્રમમાં જૂજ લોકો હાજર રહેતાં ‘પોલીસની બીક’ની ચર્ચા ઊઠી

ભૂજ ખાતે મજીદ ખોજ યાત્રા લડત સમિતિના નેજા હેઠળ મળેલા કાર્યક્રમમાં ખૂબ જ જૂજ સંખ્યામાં એકઠા થયેલા લોકોથી ચર્ચા જાગી હતી. કાર્યક્રમમાં એકઠા ન થવા પાછળ પોલીસની બીક તો જવાબદાર હતી ? જો કે કચ્છ મુસ્લિમ સમાજના જવાબદાર પ્રમુખ જેવા અગ્રણીઓ પણ દેખાયા ન હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks