(એજન્સી) ભોપાલ, તા.૩
રાજ્યની સત્તાધારી ભાજપાના એક નેતા પર ફરજ પર તૈનાત એક મહિલા પોલીસ અધિકારીની સાથે વિવાદ થતાં તેમની સાથે અભદ્રતા કરવા અને તેમની વર્દી ફાડી નાંખવાનો કેસ સામે આવ્યો છે. મધ્યપ્રદેશમાં સામાન્ય મહિલાઓની વિરૂદ્ધ હિંસાની ઘટનાઓ તો સામાન્ય છે પરંતુ હવે રાજ્યમાં મહિલા પોલીસ અધિકારી પણ સુરક્ષિત નથી. તાજો કિસ્સો મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાનો છે જ્યાં ભાજપના એક સ્થાનિક નેતાએ વાહન ચેકિંગ કરી રહેલ એક મહિલા પોલીસ અધિકારીની સાથે અભદ્ર વ્યવહાર કરતાં તેમની વર્દી ફાડી નાંખી. પોલીસે આ ઘટનામાં સામેલ આરોપી ભાજપા નેતાની ધરપકડ કરી લીધી છે જ્યારે તેના સાથીઓ ફરાર થઈ ચૂકયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના લિધૌરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહ સબ ઈન્સ્પેકટર સાથે સોમવારે મોડી સાંજે વાહનોના ચેકિંગ દરમિયાન ઘટી. જિલ્લાના એડી. પોલીસ અધિક્ષક સુરેન્દ્ર જૈને ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, મહિલા પોલીસ અધિકારી જ્યારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મોટરસાયકલ પર સવાર સ્થાનિક ભાજપા નેતાએ એક માસૂમ બાળકીને ટક્કર મારી દીધી અને ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ મહિલા પોલીસ અધિકારીએ તેને રોકયો તો તે તેની સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો અને મહિલા પોલીસ કર્મીને લાતો અને મુક્કાઓ મારવા લાગ્યો અને તેમની વર્દી ફાડી નાંખી.