અહમદઆબાદ શહેરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાવવા મ્યુનિસિપલ તંત્ર છેલ્લા કેટલાક દિવસથી તનતોડ મહેનત કરી રહ્યું છે.
પરંતુ તંત્રની હાલત છેલ્લી ઘડીએ “એક સાંધવા જાય ત્યાં તેર તૂટે” તેવી થઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બદ્રપ્લાઝા પ્રોજેક્ટ તૈયાર તો કર્યો પણ સાફસફાઈ અને જાળવણીના અભાવે આ સુંદર પ્રોજેક્ટ નર્કાગામાં ફેરવાઈ રહ્યો છે. ચોતરફ કચરાના ઢગ, રેતીના જામેલા થર, ફુવારાની રેલીંગો તૂટેલી અને તેની ઉપર
આસપાસના ભીખારીઓ કપડા સુકવતા હોવાથી ખૂબ જ ખરાબ સ્થિતિ લાગી રહી છે. એ જ રીતે ઐતિહાસિક દિલ્હી દરવાજાની પણ એવી જ સ્થિતિ છે.
દિલ્હી દરવાજાના મુખ્ય દરવાજાની આસપાસ આવેલા બે નાના દરવાજા પૈકી એક તરફનો દરવાજો રીપેર કરાયો પરંતુ બીજી તરફના દરવાજા ઉપરની પાળીના પથ્થરો ઉખડી ગયેલા છે તેને રિપેર કરવાની તસ્દી પુરાતત્વ વિભાગ કે મ્યુનિ.તંત્રએ ન લેતા આ દરવાજો તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાય છે. આમ યુનેસ્કોની ટીમ અહમદાબાદમાં આવી પહોંચી છે. છતાં મ્યુનિ.તંત્ર અને પુરાતત્વ વિભાગ માત્ર સાફસફાઈ અને લાઈટો કરી પોતાની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે કે, શારીરિક ખોડખાંપણ ધરાવતી છોકરીને સુંદર શાજ શણગાર કરી છોકરાવાળાની સમક્ષ લાવવામાં આવે તે જ રીતે મ્યુનિ. તંત્ર પોતાની બેદરકારી, નિષ્ક્રિયતા અને ભેદભાવ ભરી નીતિ ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યું છે.