(એજન્સી) તા.૧૭
ભાજપ છોડી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાએ વિપક્ષી દળોને સત્તારૂઢ ભાજપને હરાવવાનો મંત્ર આપ્યો છે. યશવંત સિંહાએ કહ્યું હતું કે જો સમગ્ર વિપક્ષ એકજૂટ થઈને જો ર૦૧૯ની ચૂંટણી લડે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાથી દૂર રાખી શકાય છે. એમણે કહ્યું હતું કે, અત્યારે પણ વિપક્ષ મોદીને હરાવવાની રણનીતિ બનાવવામાં ઘણો પાછળ છે. એમણે કહ્યું હતું કે વિપક્ષી દળોના જુદા જુદા નેતાઓના નિવેદનો તેમની વચ્ચે મૂંઝવણો ઊભી કરે છે. પૂર્વ મંત્રીએ કહ્યું હતું કે હાલમાં વિપક્ષો દ્વારા ત્રણ પ્રકારના વિકલ્પો વિશે વિચારણા કરવામાં આવી રહી છે. વિપક્ષના કેટલાક નેતાઓનું કહેવું છે કે, જે પણ ગઠબંધન થશે તે ચૂંટણી પછી થશે. બીજા વિકલ્પ તરીકે બધા જ પ્રાદેશિક પક્ષો બિન-ભાજપી તેમજ બિન-કોંગ્રેસી મોરચો બનાવીને ચૂંટણી લડે અને ત્રીજો વિકલ્પ છે કે કોંગ્રેસની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં એક મહાગઠબંધન રચવામાં આવે અને એનડીએ તેમના વડાપ્રધાન મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવામાં આવે. સિંહાએ કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે મળીને એક મહાગઠબંધનની રચના કરવી તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે.