(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
કેન્દ્રે યાસિન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટ (જેકેએલએફ) સામે ત્રાસવાદ વિરોધી કાયદા હેઠળ શુક્રવારે પ્રતિબંધ લાદી દીધો હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે. જેકેએલએફના વડા યાસિન મલિકની ધરપકડ કરવામાં આવી છે અને જમ્મુની કોટ બલવલ જેલમાં અટકાયત હેઠળ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ૧૯૬૭ના ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદા હેઠળ જેકેએલએફને ગેરકાનૂની એસોસિએશન જાહેર કર્યું છે. સરકાર દ્વારા ત્રાસવાદ સામે અનુસરવામાં આવી રહેલી ઝીરો ટોલરન્સની નીતિ મુજબ આ પગલું ભરવામાં આવ્યું છે. ગૃહ સચિવે એવું પણ કહ્યું કે યાસિન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટે ખીણમાં અલગતાવાદી વિચારસરણીનું નેતૃત્વ કર્યું છે અને આ સંગઠન ૧૯૮૮થી હિંસા અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સૌથી આગળ રહ્યું છે. ગૌબાએ એવું પણ કહ્યું કે રાજ્ય દ્વારા ભારે સંખ્યામાં અલગતાવાદી નેતાઓને સુરક્ષા પુરી પાડવામાં આવી રહી હતી. આ બાબતની સમીક્ષા કરવામાં આવી છે અને સમીક્ષા કરવામાં આવ્યા બાદ આવા ઘણા નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેશે. જેકેએલએફ સામે પ્રતિબંધ લાદવાનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સુરક્ષા સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે.