અમદાવાદ,તા. ૩૦
શહેર સહિત રાજયભરમાં આવતીકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ભારે હર્ષોલ્સાસ અને ઉત્સાહ વચ્ચે ઉજવણી કરી નવા ૨૦૧૮ના વર્ષને વધાવવા પ્રજાજનો આતુર બન્યા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યુ યરને લઇ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટોમાં ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યંગસ્ટર્સ થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષને આવકારવા ભારે થનગની રહ્યા છે અને આવતીકાલની ઉજવણીને લઇ યંગસ્ટર્સ દ્વારા ખાસ પ્લાનીંગ કરાયું છે. તો બીજીબાજુ, આવતીકાલે દર વર્ષની જેમ હજારો યુવા હૈયાઓ રાત્રે સી.જી.રોડ અને એસ.જી.હાઇવે સહિતના માર્ગો પર કિડિયારાની જેમ ઉભરાશે અને ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહના માહોલ વચ્ચે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યરની ઉજવણી કરશે. થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ મોડી રાત સુધી ચાલનારી પાર્ટીઓ અને યુવા હૈયાઓની ઉજવણીને લઇ શહેર પોલીસને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. આવતીકાલે યોગાનુયોગ પણ એવો બન્યો છે કે, સપ્તાહનો છેલ્લો દિવસ છે, મહિનાનો પણ છેલ્લો દિવસ છે અને વર્ષનો પણ છેલ્લો દિવસ છે. આવતીકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષના વધામણાંનો સોનેરી અવસર હોઇ શહેર સહિત રાજયભરમાં ન્યુ યરનો માહોલ છવાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્સ, કલબો-ફાર્મ હાઉસ, પાર્ટીપ્લોટો પહેલેથી જ બુક થઇ ગયા છે. આ તમામ સ્થળોએ આ વખતે વિવિધ થીમ બેઝ અને ડીજેના તાલ અને રોકીંગ રમઝટ સાથે ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને હાઇવે પરની કેટલીક હાઇફાઇ અને વૈભવી હોટલોમાં તો, શરાબ અને શબાબની મહેફિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેટલાક ડાન્સ પાર્ટીના સ્થળોએ તો વિદેશી યુવતીઓ-ડાન્સરને બોલાવવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. યંગ સ્ટર્સ દ્વારા આવતીકાલની થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ ખાસ આયોજન કર્યું છે. તેઓ કેટલીક હોટલ-રેસ્ટોરન્ટ્સ અને કલબો-ફાર્મહાઉસમાં તો, થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરને લઇ ડિનર અને મિજબાનીની કંઇક અલગ જ મનભાવન તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં આ વખતે અલગ પ્રકારની વાનગીઓ અને આઇટમો મેનુમાં ઉમેરવામાં આવી છે.
થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ શહેરની કેટલીક શાળાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાડી, ગીત-સંગીત અને સાંસ્કૃતિ કાર્યક્રમોના વિશેષ આયોજન કરાયા છે. બીજીબાજુ, આવતીકાલે થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરની ઉજવણીને લઇ શહેર પોલીસ તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે. ખાસ કરીને મહિલા પોલીસની વિવિધ ટીમો પણ છૂપા વેશમાં સી.જી રોડ, એસ.જી. હાઇવે સહિતના કેટલાક સ્થળોએ પેટ્રોલીંગમાં રહેશે અને દારૂ પીને છાકટા બનતા કે, યુવતીઓ-મહિલાઓની છેડતી કરતા તત્વો પર ચાંપતી નજર રાખી તેઓને જબ્બે કરશે. આવતીકાલે પોલીસ દ્વારા રાતભર શહેરભરમાં ખાસ કરીને સીજી રોડ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પેટ્રોલીંગ અને ખાસ વોચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
નવા વર્ષની પાર્ટી માટે ૩૦ સ્થળોને લાયસન્સ અપાયા
અમદાવાદ, તા. ૩૦
શહેર પોલીસે પણ નવા વર્ષની પાર્ટી પર નજર રાખવા માટે વિશેષ તૈયારી કરી છે. ચેકપોસ્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ વખતે ૩૦ સ્થળોને નવા વર્ષની પાર્ટી યોજવા માટે મંજુરી આપવામાં આવી છે. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ કેએલએન રાવે કહ્યું છે કે, તમામ પગલા અસરકારકરીતે અમલી કરવામાં આવી રહ્યા છે. શરાબના અડ્ડાઓ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. ૧૨૪થી વધુ વાહન ચેકિંગ પોઇન્ટ શહેરભરમાં આવતીકાલ માટે ઉભા કરવામાં આવ્યા છે. દારૂ પીને ગાડી ચલાવવાના બનાવોને રોકવા માટે આ પગલા લેવાયા છે. શહેર પોલીસ પાસે દારુ પીધેલી વ્યક્તિને પકડી પાડવા માટે ૫૫થી વધુ વિશેષ પ્રકારના સાધનો પણ રાખ્યા છે. સીસીટીવી ઉપર પણ તમામની નજર રહેશે. સીસીટીવી મારફતે તોફાની તત્વો ઉપર પણ નજર રખાશે. તમામ વ્યવસ્થાને ધ્યાનમાં લેવા માટે ઇવેન્ટના આયોજકોને પણ કહેવામાં આવ્યું છે. સાથે સાથે રેકોર્ડિંગ સંબંધિત પોલીસ સ્ટેશનમાં આગલા દિવસે જમા કરાવવાનું રહેશે. ઓળખ, પુરાવા રાખવા માટે કહેવાયું છે.