નવી દિલ્હી,તા. ૨૦
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે. દેશ વિદેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દહેરાદુનથી વિશ્વનું નેતૃત્વ કરશે. મોદીની સાથે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પણ યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. ચોથા યોગ દિવસને લઇને યોગી પોતે તૈયારીની સમીક્ષા છેલ્લા કેટલાક દિવસથી કરી રહ્યા હતા. વર્ષ ૨૦૧૪માં એનડીએ સત્તામાં આવ્યા બાદ એનડીએ સરકારના પ્રધાનો સતત જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. મોદીની પહેલ પર યોગને વિશ્વ દિવસોમાં સામેલ કરવામાં આવ્યા બાદ દુનિયાભરમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ પ્રસંગે દેશ વિદેશના અનેક મોટા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. મોદી પોતે દહેરાદુનમાં હાજર રહેશે અને હજારો લોકોની સાથે યોગા કરશે.દેહરાદુનમાં આયોજિત કાર્યક્રમમાં ૨૦,૦૦૦થી વધારે લોકો તેમની સાથે ભાગ લે તેવી શક્યતા દેખાઈ રહી છે. તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શહેરમાં ૧૦૦ જુદા જુદા સ્થળો ઉપર પણ ૧૦,૦૦૦થી વધારે લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ વખતે યોગ દિવસને મનાવવા માટે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. યોગને પ્રોત્સાહન આપવા માટે ભારત, અમેરિકા, ચીન, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના અનેક દેશોમાં યોગ સાધનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દુનિયાના ૧૭૦થી વધુ દેશમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનિય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બે વર્ષ પહેલા પ્રસ્તાવના માધ્યમથી ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર ગુરૂવારના દિવસે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સંપૂર્ણપણે તૈયાર છે.