(એજન્સી) લખનૌ, તા.રપ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું છે કે, જ્યારે રાજ્ય સરકાર દરેકને રક્ષણ પૂરું પાડે છે ત્યારે દરેક વ્યક્તિ પાસે બીજાની લાગણીઓને માન આપવાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું કે, ટોળા દ્વારા થતી સામૂહિક હિંસાના બનાવોને બિનજરૂરી મહત્ત્વ અપાય છે. તેમણે આરોપ મૂકયો છે કે, કોંગ્રેસ આ મુદ્દે રાઈનો પર્વત કરે છે. જ્યારે તમે ટોળા દ્વારા થતી હિંસાની વાત કરો છો ત્યારે ૧૯૮૪માં (શીખ વિરોધી રમખાણો) શું થયું હતું ? કાનૂન-વ્યવસ્થા રાજ્યોનો મુદ્દો છે. કોંગ્રેસનો રાઈનો પર્વત કરવાનો ઈરાદો સફળ નહીં થાય. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર તેના નાગરિકોને સુરક્ષા આપે છે. પરંતુ તે દરેક વ્યક્તિની પણ એકબીજાની લાગણીઓ સન્માન રાખવાની જવાબદારી છે. માનવજાત જેટલું જ ગાયોનું મહત્ત્વ છે. બન્નેની પ્રકૃત્તિમાં પોતાની ભૂમિકા છે. દરેકની રક્ષા કરવી જોઈએ. દરેક વ્યક્તિના ધર્મના લોકોની આ વ્યક્તિગત જવાબદારી પણ છે. આદિત્યનાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણની ટીકા કરી હતી. દેશભરના લોકોએ રાહુલ ગાંધીના આવા બાલીસ વર્તનને વખોડી કાઢયું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ સમયે કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ. સુપ્રીમકોર્ટે સરકારને ટોળા દ્વારા કરાતી સામૂહિક હિંસા સામે કાનૂન બનાવવા માટે સૂચન કર્યું છે.