(એજન્સી) તા.૨૭
ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું માનવું છે કે તેમની કર્મભૂમિ ગોરખપુર સ્થિત બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં ગઇ સાલ ઓગસ્ટમાં ૨૪ કલાકમાં મોટી સંખ્યામાં બાળકોના મોતની ઘટનાને ત્યાંના આંતરિક રાજકારણને કારણે વધુ પડતી ચગાવવામાં આવી હતી. તેમનું કહેવું છે કે ગોરખપુરમાં બાળકોના મોત પાછળ ઓક્સિજનનો અભાવ નહીં પરંતુ આંતરિક રાજકારણ જવાબદાર છે. દરમિયાન યોગી આદિત્યનાથના આ નિવેદન પર ઉગ્ર પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન પોતાની ખામીએા અને ઊણપો છૂપાવવા માટે આવું નિવેદન કરી રહ્યા છે. અત્રે ગઇ કાલે ગોરખપુરમાં પોષણ અભિયાન અને સુપોષણ આરોગ્યમેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે શરુઆતમાં જ્યારે તેમણે હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ અંગે સાંભળ્યું ત્યારે તેમને એ ઘટનાની યાદ આવી હતી કે જ્યારે એક ખોટા સમાચાર લખનાર પત્રકારને હોસ્પિટલના કામદારો દ્વારા બોર્ડમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. ગઇ સાલ મેં જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે મારૂં માનવું છે કે આવી જ બાબત બની હતી પરંતુ મેં જ્યારે જોયું કે તમામ સમાચાર ચેનલો અને મીડિયાએ પણ આ મુદ્દાને ઉછાળ્યો છે ત્યારે મેં આરોગ્ય વિભાગના ડાયરેક્ટર જનરલને ગોરખપુર મોકલીને રિપોર્ટ માગ્યો હતો. મેં મારા આરોગ્ય પ્રધાન તેમજ તબીબી શિક્ષણ પ્રધાનને પણ મોકલ્યા હતા અને તેમને પણ રિપોર્ટ આપવા જણાવ્યું હતું. આદિત્યનાથે જણાવ્યું હતું કે એટલું જ નહીં મેં પણ બીજા દિવસે હોસ્પિટલની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો હતો. મેં લોકોને પૂછ્યું હતું કે ખરેખર મામલો શું છે અને ત્યારે મને જણાવાયું હતું કે વાસ્તવમાં આવું કંઇ નથી. જો ઓક્સિજનને કારણે બાળકોના મૃત્યુ થયા હોત તો પછી વેન્ટિલેટર પર રાખવામાં આવેલા બાળકો સૌપહેલા તેનો ભોગ બન્યા હોત. મેં જણાવ્યું હતું કે ચોક્કસ તેની પાછળ બીજુ કંઇક કારણ હોવું જોઇએ. આંકડાઓ આખરે ક્યાંથી આવી રહ્યા હતા. ત્યારબાદ ધ્યાન પર આવ્યું કે આંતરિક રાજકારણને કારણે આવું બન્યું હતું. યોગી આદિત્યનાથના આ નિવેદનની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ બીએલ પુનિયાએ એવો દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાનની આ ટિપ્પણી તેમની નિષ્ફળતાઓ છૂપાવવા માટેના પ્રયાસરુપ છે.