લખનઉ, તા. ૧૮
આગામી ૧૫ દિવસ પછી દુર્ગા પુજા, દશેરા અને મોહર્રમની શાંતિપૂર્ણ તથા સરળ રીતે ઉજવણી માટે ઉત્તરપ્રદેશ સરકારે માર્ગદર્શિકા જારી કરી છે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, આ ઉજવણી દરમિયાન ડીજે અને લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ ઉપરાંત વિસર્જનના રૂટ અને દુર્ગા અને તાજિયાની ઊંચાઇ અંગે કાયદાનું પાલન કરવા જણાવાયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, શનિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની બેઠકમાં ઉચ્ચ સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સમીક્ષા કરવામાં આવી હતી.
ચાર દિવસીય દુર્ગા પુજાનો ૨૬મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. ૩૦મી સપ્ટેમ્બરે ઉજવાનારા વિજયા દશમીને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે મોહર્રમની ઉજવણી પહેલી ઓક્ટોબરે થશે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકાર માટે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી એસિડ ટેસ્ટ સમાન છે ખાસ કરીને રાજ્યના પશ્ચિમ અને પૂર્વ ભાગો કોમવાદી રીતે સંવેદનશીલ છે. ભૂતકાળમાં પણ આ ઉજવણીઓ દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગને કારણે ધાર્મિક તહેવારો દરમિયાન હિંદુ અને મુસ્લિમો વચ્ચે કોમી તંગદિલી વ્યાપેલી છે. બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને બંને સમુદાયોના આયોજકોને આવી ઘટનાઓ રોકવા માટે દુર્ગાની મૂર્તિઓ અને મોહર્રમના તાજિયાના વિસર્જન માટે કડક આદેશ અપાયા છે. જિલ્લા વહીવટી તંત્રોને નિયમો અનુસાર જ લાઉડ સ્પીકરનો અવાજ રાખવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વારાણસી, ગોરખપુર, અલ્હાબાદ, કાનપુર, આગ્રા, મેરઠ અને બરેલીના સંવેદનશીલ વિસ્તારોની અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. સામાન્ય રીતે આવા તહેવારો પહેલા મુખ્ય સચિવ અને ડીજીપી જિલ્લા વહીવટીતંત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતગાર કરે છે પરંતુ આ વખતે યોગી આદિત્યનાથે પોતે બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે અધિકારીઓને આયોજકો સાથે બેઠકો યોજવા પણ આદેશ આપ્યા હતા. માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે, દુર્ગાની મૂર્તિઓ અને તાજિયાની ઊંચાઇ કાયદા પ્રમાણે જ રાખવામાં આવે કારણ કે, તેના કારણે કોઇ વૃક્ષ કપાશે નહીં અને કોઇ પણ માળખું તોડી પડાશે નહીં.