લખનઉ, તા. ૧૪
ઉત્તરપ્રદેશની યોગી સરકારે ૪૬ મદ્રેસાઓને મળતા ફંડ પર રોક લગાવી છે. લઘુમતી કલ્યાણ વિભાગના અધિકારી અનુસાર આ કાર્યવાહી એક તપાસ બાદ કરવામાં આવી છે જેમાં એમ કહેવાયું હતું કે, મદ્રેસાઓ તેમના માટે નક્કી કરાયેલા માપદંડો અનુસાર કામ કરતા નથી. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ સરકાર ૫૬૦ મદ્રેસાઓને ફંડ આપે છે. યોગી સરકારે જિલ્લા અધિકારીઓ, શાળાઓ અને લઘુમતી કલ્યાણકારી અધિકારીઓની કમિટીને જણાવ્યંુ હતું કે, તેઓ તપાસ કરે કે, ફંડની રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવી રહ્યો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરની કમિટીઓ દ્વારા બે મહિનાની તપાસ બાદ ૪૬ મદ્રેસાઓના ફંડ સાથે શિક્ષકોના વેતન પર પણ રોક લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તમામ મદ્રેસાઓની વીડિયો રેકોર્ડિંગ સ્વતંત્રતા દિવસે કરવામાં આવી હતી જેનો વિરોધ કેટલાક પક્ષો અને પાર્ટીઓ તથા ધાર્મિક સંગઠનોએ પણ કર્યો હતો. યોગી સરકારના નિર્ણય બાદ વિરોધ વધવાની પૂરેપૂરી શક્યતા છે.