(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા. ૩૦
બોડેલી તાલુકાના માંકણી ગામે તળાવમાં મચ્છી મારવાના જાળા કેમ કાઢી લીધા ? તેમ કહીને ઝઘડો થતા એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે ગળા પર હુમલો થયો હતો. જેમાં તેની હત્યા થતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસે આરોપીની અટક કરી છે. બોડેલી તાલુકાના માંકણી ગામે રહેતા મગનભાઈ કોયજીભાઈ તડવી પત્ની લક્ષ્મીબેન સાથે કચ્છ-ભૂજ મજૂરીએ ગયા હતા અને તેમનો મોટા પુત્ર મહેશ (ઉ.વ. ર૪)ને ઘરે દાદી સરિતાબેન પાસે મૂકી ગયા હતા. ગત બપોરે મહેશ તેના મિત્રો અજય અને જયેશ સાથે ગામના તળાવે મચ્છી જાળો કાઢવા ગયો હતો. ત્યારબાદ સાંજના સુમારે સરિતાબેનના ફળિયામાં બૂમાબૂમ થતા સરિતાબેન ઘર બહાર આવી જોતા ફળિયામાં રહેતા બાબુ ગોવિંદભાઈ તડવીએ મહેશને તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારેલ હતો અને મહેશ જીવ બચાવવા ભાગી આગળ જઈ રસ્તા પર ઢળી પડ્યો હતો અને બાબુમહેશના માથામાં મારતા જાય અને બોલતો હતો કે તળાવમાં મચ્છી મારવાના જાળા તે કેમ કાઢી લીધા ? તેમ કહી ગાળો બોલી મહેશના માથે ઘા કર્યા હતા. ફળિયાવાળા આવી જતા બાબુ સ્થળ પરથી ભાગી ગયો હતો. જ્યારે મહેશને દવાખાને લઈ જતા ડોક્ટર તેને મૃત જાહેર કરેલ હતો. બોડેલી પોલીસે સરિતાબેનની ફરિયાદ દાખલ કરી બાબુની અટક કરી હતી.