(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ર
આણંદ શહેરમાં મુસ્લિમ વિસ્તારોમાં વ્યાપેલી ગંદકી દુર કરી સ્વચ્છતા કરવા તેમજ લોકોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવા માટે શહેરમાં છેલ્લા બે વર્ષથી સફાઈ અભિયાન કરતી સીટુસી સંસ્થા સાથે આણંદનાં ઉમ્મીદ ગૃપ અને આણંદ મુસ્લિમ મેડીકો ફોરમ દ્વારા સંયુકત પણે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે,અને આજે ગુજરાતી ચોકથી સફાઈ કાર્યનો આરંભ કર્યો હતો.
યુવાનોએ ગુજરાતી ચોકથી લઈને પોલસન ડેરી રોડ પર ઝાડુ મારી કચરો સાફ કરી માર્ગો અને વિસ્તારો સ્વચ્છ કર્યા હતા.આ અભિયાનમાં સીટુસીનાં ઈન્તુભાઈ દિવાનએ લોકોને સ્વચ્છતા જાળવવા અને આપણા વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે આ સ્વચ્છતાનાં અભિયાનમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.,ઉમ્મીદ ગૃપનાં પ્રમુખ રીયાઝ ઉર્ફે રીલુભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે ઈસ્લામ સ્વચ્છતા અને પ્રેમ પસંદ મજહબ છે,અને પાકી એ અડધુ ઈમાન છે,ત્યારે આપણે આપણા વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે આપણે સ્વંય પ્રયાસો કરવા પડશે. આણંદ મુસ્લિમ મેડીકો ફોરમનાં ડા.સુબેખાન પઠાણએ લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છ પરિવાર સ્વસ્થ પરિવાર,સ્વસ્છ સોસાયટી સ્વસ્થ સોસાયટી બનાવવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સીટુસીનાં સુરેશભાઈ, કલ્પેશ પટેલ, અમીતભાઈ, સાજીદ દિવાન, આણંદ મુસ્લિમ મેડીકો ફોરમનાં ડૉ.એસ બી.પઠાણ, ડા.શોહેલ વ્હોરા તેમજ ઉમ્મીદ ગૃપનાં પ્રમુખ રીયાજ ઉર્ફે રીલુ, ઉપપ્રમુખ ટીકુભાઈ કાજલ રોડવેઝ, સેક્રેટરી ઈરફાનભાઈ પ્રગતી, શકીલભાઈ ચાંપાનેરવાળા, નાસીરભાઈ ખલીફા તેમજ ઈમરાન કલાસીક ઉપસ્થિત રહ્યા હતા.