Site icon Gujarat Today

ફ્લિન્ટોફે યુવરાજને આપી હતી ‘ગળું કાપવા’ની ધમકી, ફટકાર્યા છ છગ્ગા

મુંબઇ, તા.૧૦
૨૦૦૭માં ટી-૨૦ને વધારે લોકપ્રિય બનાવવા માટે દક્ષિણ આફ્રિકામાં ૧૧થી ૨૪મી સપ્ટેમ્બર દરમિયાન ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન કરાયું હતું. આ વર્લ્ડ કપમાં યુવરાજસિંહે એવું પરાક્રમ કરીને બતાવ્યું હતું જે વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. ટીમ ઇન્ડિયાના ધુરંધર બેટ્‌સમેન કે જે છગ્ગા સાથે મેચ પૂરી કરતો નજરે પડે છે તે મહેન્દ્રસિંહ ધોની તે વખતે સામા છેડે ઊભો રહીને યુવરાજને ઇતિહાસ રચતો જોઈ રહ્યો હતો અને યુવરાજે રચ્યો ઇતિહાસ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપની એ મેચ ૧૯મી સપ્ટેમ્બરના રોજ ડરબનમાં રમાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટ ગુમાવીને ૨૧૮ રનનો સ્કોર બનાવી દીધો હતો. પરંતુ મેચનું સૌથી રસપ્રદ પાસું ૧૯મી ઓવરમાં જોવા મળ્યું હતું. એ વખતે ઇંગ્લેન્ડનો બોલર સ્ટુઅર્ટ બ્રોડ યુવરાજ સામે હતો. હકીકતમાં મેચમાં યુવરાજના રૌદ્ર રૂપ પાછળ એક બનાવ હતો જે મેચ દરમિયાન બન્યો હતો. યુવરાજસિંહે એક ઇન્ટરવ્યૂમાં આનો ખુલાસો કર્યો હતો. યુવરાજે જણાવ્યું, ‘મેં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર એન્ડ્રુ ફિલન્ટોફના બોલ પર બે બાઉન્ડ્રી ફટકારી હતી. ફ્લિન્ટોફે મને જણાવ્યું કે મારા શોટ બેકાર હતા. મેં તેને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. પછી તેણે મને કહ્યું કે તે મારૂં ગળું કાપી નાખશે. મેં તેને જવાબ આપ્યો કે તું મારા હાથમાં આ બેટને જો.” મેચ દરમિયાન યુવરાજસિંહ અને ફ્લિન્ટોફ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી. યુવરાજ આ ઘટના બાદ ખૂબ જ ગુસ્સામાં હતો. તેનો ગુસ્સો પછી આગળની ઓવર ફેંકવા આવેલા બ્રોડ પર નીકળ્યો હતો. તેના પછી જે થયું તે ઇતિહાસ બની ગયો હતો.

Exit mobile version