લુણાવાડા, તા.૩૦
લુણાવાડા ખાતે કર્મશીલ ગુજરાતના નામે ટ્યુશન કલાસીસ ચલાવતા અને પોતાને રાષ્ટ્રસેવક તરીકે ઓળખાવતા નવા મુવાડા ગામના પીન્કેશ પટેલ તથા તેના ભાઈ અને પિતા સામે યુવતીને છેડી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સમાધાન માટે ૧,૯૦,૦૦૦/-ની માગણી કરવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામના આરોપી પીન્કેશ પટેલ જે સમગ્ર ગુજરાતમાં કર્મશીલ ગુજરાતના સીઇઓ તરીકે પોતાને ઓળખાવી લુણાવાડાના બારોટવાડા વિસ્તારમાં ટ્યુશન કલાસીસ ચલાવે છે. તેણે ફરિયાદી યુવતીને દિવસના હજાર રૂપિયા લેખે નક્કી કરી ટ્યુશન કલાસીસમાં ભણાવવા માટે શિક્ષિકા તરીકે રાખેલ હતી ત્યારબાદ આરોપી પીન્કેશ પટેલે લગ્ન કરવાની માગણી કરતા તેની બદદાનત પારખી ગયેલી યુવતીએ ટ્યુશન કલાસીસમાં ભણાવવા જવાનું બંધ કર્યું ત્યારથી આરોપી યુવતીને અવાર નવાર હેરાન પરેશાન કરતો, ખોટી-ખોટી ધમકી આપતો, ફોન પર ગંદી ગાળો બોલતો, ફોન પર ખરાબ મેસેજ મોકલતો આથી કંટાળેલી યુવતીએ ઘર પરિવારને જાણ કરી તેઓની સાથે પીન્કેશ પટેલની ઓફિસે ગયા હતા ત્યાં આરોપીની સાથે તેના ભાઈ ધર્મેશ, પ્રીતેશ તેમજ આરોપીના પિતા વાડીલાલની હાજરીમાં ફરિયાદી યુવતીને લગ્ન કરવાની ના પાડશે તો ઉઠાવીને લગ્ન કરી લઈશું તેમ કહી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને જો સમાધાન કરવું હોય તો એક લાખ નેવુ હજાર અહિયાં મૂકી દો નહી તો બીજે લગ્ન નહિ થવા દઈશું તેમ જણાવતા ગભરાઈ ગયેલા પરિવારે જે તે વખતે સ્થળ છોડી ગયા બાદ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લુણાવાડા પીએસઆઈએ આરોપીઓની અટકાયત કરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે પોતાને કેજરીવાલના નજીકની વ્યક્તિ તરીકે પોતાને ઓળખાવતા અને નગરમાં રાષ્ટ્રસેવક તરીકે મોટા-મોટા બેનર લગાવનાર પીન્કેશ પટેલ વિરૂદ્ધમાં અગાઉ પણ સ્પર્ધાંત્મક પરીક્ષાના ક્લાસિસમાં રૂપિયા પડાવવા અંગે ફરિયાદ ઊઠી હતી. મોટા નેતાઓ સાથેના ફોટા પડાવી અન્યોમાં રોફ જમાવતો પીન્કેશ અને તેના ભાઈઓ અને પિતા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર મહિસાગર જિલ્લા તેમજ રાજયમાં ચકચાર મચી જવા પામ્યો હતો.