અયોગ્ય ખટલાથી સુરક્ષિત હોવાની ખાતરી નહીં થાય ત્યાં સુધી ભારત પરત આવીશ નહીં : ઝાકિર નાઇક,

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇકને મલેશિયા સરકાર ભારતને સોંપી શકે છે. મીડિયાના અહેવાલો મુજબ ઝાકિર નાઇકને આજે રાત્રે મુંબઇ લાવવામાં આવશે. જોકે, ઝાકિર નાઇકે આ બધા અહેવાલો નકારી કાઢ્યા છે અને જણાવ્યું કે મારા ભારત આવવાના બધા અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવગરના છે. જ્યાંસુધી ખાતરી નહીં થઇ જાય કે ખટલો યોગ્ય રીતે ચલાવવામાં આવશે ત્યાં સુધી ભારત આવવાની મારી કોઇ યોજના નથી. તેમણે એવું પણ જણાવ્યું કે સરકાર નિષ્પક્ષ હોવાનું મને લાગશે ત્યારે હું પોતાના દેશમાં પરત આવી જઇશ. ઝાકિર નાઇકની મલેશિયાથી હકાલપટ્ટીના અહેવાલો અંગે મૂંઝવણ સર્જાઇ છે પરંતુ મલેશિયાના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું કે ઝાકિર નાઇકને બુધવારે રાત્રે ભારતીય સત્તાવાળાઓને સોંપી દેવામાં આવશે નહીં.
એક ન્યૂઝ ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ મલેશિયાનો પ્રવાસ ખેડ્યો હતો અને તેમના પ્રવાસને કારણે ઝાકિર નાઇકનું ભારતને પ્રત્યાર્પણ શક્ય બન્યું છે. ચેનલે તો એટલી હદ સુધી કહ્યું હતું કે મોદીના મલેશિયાના તાજેતરના પ્રવાસનો ખરેખર હેતુ ઝાકિર નાઇકનો પ્રત્યાર્પણ હતો. એક સમાચાર એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે ઝાકિર નાઇક ભારત આવવાના હોવાના અમારી પાસે અત્યાર સુધી કોઇ અહેવાલ નથી. અમે આવા અહેવાલોની ચકાસણી કરી રહ્યા છીએ. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ જણાવ્યું છે કે ઝાકિર નાઇકના ભારત પરત આવવાના મુદ્દા અંગે મલેશિયા સરકાર સાથે તેમનો કોઇ સંદેશાવ્યવહાર થયો નથી. ઝાકિર નાઇકના વકીલ મુબિન સોલ્કરે પણ ઝાકિર નાઇકના પ્રત્યાર્પણના અહેવાલો નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે ઝાકિર નાઇક આજે ભારત આવી રહ્યા હોવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવગરના છે. તેમણે જણાવ્યું કે ઝાકિર નાઇકના મલેશિયાથી પ્રત્યાર્પણનો સંબંધ છે ત્યાં સુધી અગાઉ એવું જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારે મલેશિયાથી ઝાકિર નાઇકના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ આ પ્રક્રિયા આગળ ધપી નથી. ભારતીય એજન્સીઓ ઝાકિર નાઇકના પ્રત્યાર્પણ માટે મલેશિયાને રાજી કરવાના પ્રયાસો કરી રહી છે પરંતુ નાઇક સામે રેડ કોર્નર નોટિસ રજૂ કરવામાં એજન્સીઓ નિષ્ફળ નીવડી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks