અમદાવાદ, તા.૨૫
ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪માં સ્વચ્છ ભારત અભિયાનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરાવવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા પણ વર્ષ-૨૦૧૯ સુધીમાં અમદાવાદ સહીતના તમામ કોર્પોરેશન વિસ્તારોને ઝીરો વેસ્ટ સિટી પ્લાન હેઠળ આવરી લઈ કામગીરી શરૂ કરાવવાના આદેશો વર્ષ-૨૦૧૫માં આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત રાજ્ય સરકારના સાત જેટલા મંત્રીઓની એક ખાસ કમિટી પણ બનાવવામાં આવી હતી.આ કમિટી સફાઈ અને સ્વચ્છતાને લગતી કામગીરીની દર ત્રણ માસે સમીક્ષા બેઠક દરમ્યાન કરવાની હતી.પરંતુ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના રાજીનામા બાદ આ યોજના અભરાઈ ઉપર ચઢી જવા પામી છે.ઉપરાંત હવે ટુંક સમયમાં રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આઘાતજનક બાબત તો એ બહાર આવવા પામી છે કે,અમદાવાદ જેવા શહેરમાં તો આ અંગેની કોઈ કમિટી પણ હજુ સુધી ન બનાવવામાં આવી હોવાનું સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યું છે.આ અંગેની વિગત એવી છે કે,પૂર્વ મુખ્યમંત્રીના શાસનકાળ સમયે રાજયના મોટા શહેરોને ઝીરો વેસ્ટ પ્લાન હેઠળ આવરી લઈને સિટીસેનિટેશન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો હતો.માર્ચ-૨૦૧૫ના અંત સુધીમાં તમામ શહેરી ઘરોમાં જે લોકો શૌચાલયની સુવિધાથી વંચિત છે તેમને વ્યકિતગત કે સામૂહીક શૌચાલયો પુરા પાડવાની વ્યવસ્થા પુરી કરવાની હતી.તમામ શહેરોમાં સફાઈ અને ડ્રેનેજની કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કામદારોનું વર્ષમાં બે વાર નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ કરવાનું હતું.રાજયની તમામ નગરપાલિકાઓમાં ઈકો ફ્રેન્ડલી સ્મશાનગૃહો બનાવવાના હતા.આ ઉપરાંત શહેરો વચ્ચે સફાઈની બાબતમાં સ્પર્ધા યોજીને રેટિંગ આપવાની સાથે પુરસ્કારો આપવાનું પણ નકકી કરવામાં આવ્યું હતું.શહેરોને નાંણાકિય સહાય ઉપરાંત તાલિમ અને સાધનો અંગે સહાય આપવા અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી.મહત્વની બાબત એ હતી કે,રાજ્ય સરકારના સાત મંત્રીઓની એક કમિટી બનાવવામાં આવી હતી.જે સરકાર બદલાતા જ વિખેરાઈ ગઈ છે. મેયરના અધ્યક્ષ સ્થાને જે કમિટી બનવી જોઈએ તે પણ હજુ બની નથી. હવે જ્યારે રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે તેવા સમયે ચૂંટણી જીતવા ફરી એકવખત આ મુદ્દાને શાસકપક્ષ લોકો સમક્ષ લોલીપોપની જેમ રજુ કરે એવી શકયતા રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે.