(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૦
શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ઝૂલતા મિનારા તરીકે ઓળખાતી મસ્જિદ કે જે રક્ષિત ઈમારત છે તેની ૧૦૦ મિટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નથી તેમ છતાં શહેરના કાલુપુર રેલવે સ્ટેશનની બાજુમાં જ આવેલી આ ઐતિહાસિક અને રક્ષિત ઈમારતના પ્રતિબંધિત વિસ્તારમાં જ રેલવે તંત્રએ પિટલાઈનનું બાંધકામ શરૂ કરતાં વકફ પ્રોટેક્શન કમિટીના ચેરમેન મુનાફ અહમદની ફરિયાદને પગલે પુરાતત્ત્વ વિભાગે રેલવેના ડિવિઝનલ મેનેજરને કારણદર્શક નોટિસ પાઠવી ત્રણ દિવસમાં બાંધકામ બંધ કરવા નોટિસ આપી હોવા છતાં એક મહિનો થવા છતાં ન તો બાંધકામ રોકાયું છે ન તો ફરિયાદ દાખલ થઈ છે. આથી, હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. રેલવે તંત્રએ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ના ઉત્તર તરફના છેડા પર પિટલાઈનનું બાંધકામ શરૂ કર્યું હતું. ઐતિહાસિક અને રક્ષિત ઈમારતની આસપાસ બાંધકામ શરૂ કરતાં પહેલાં નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ મેળવવું જરૂરી છે. પરંતુ રેલવે તંત્રએ કોઈ પણ પ્રકારની એનઓસી મેળવ્યા વિના જ બાંધકામ શરૂ કરતાં વકફ પ્રોટેક્શન કમિટીના ચેરમેન મુનાફ અહમદે એએસઆઈ વડોદરા ક્ષેત્રના અધિક્ષક પુરાતત્ત્વવિદ્ અરૂણ મલિકને ફરિયાદ કરી હતી ત્યારે તેમણે રેલવે તંત્ર વિરૂદ્ધ ફરિયાદ કરવાની ખાતરી આપી હતી તેમ છતાં એએસઆઈ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં પુનઃ જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ગત ૧૩ જુલાઈના રોજ એએસઆઈ દ્વારા રેલવે તંત્રને ત્રીજી નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, જો આ બાંધકામ ત્રણ દિવસમાં બંધ કરવામાં નહીં આવે તો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા કાયદાઓના ઉલ્લંઘન બદલ એફઆઈઆર દાખલ કરાશે. આમ, ત્રણ-ત્રણ નોટિસો છતાં રેલવે તંત્રએ જાણે કંઈ બન્યું જ નથી તેમ બાંધકામ ચાલુ જ રાખતાં મુનાફ અહમદે ડીઆરએમને રજૂઆત કરતાં તેમણે ઉડાઉ જવાબ આપતાં જણાવ્યું હતું કે, આ અમારી આંતરિક બાબત છે અને જોઈ લઈશું એમ જણાવી બાંધકામ રોકવાની તેમની ઈચ્છા જ ન હોય તેમ એએસઆઈની નોટિસને પણ ઘોળીને પી જતાં હવે એએસઆઈ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. કે, તમને એકવાર ફરીથી આ કામ બંધ કરવાનું યાદ અપાવવામાં આવે છે અને જરૂરી પરવાનગી/એનઓસી મેળવવા માટે ગુજરાત સરકારના સત્તાધિકારીનો સંપર્ક કરો, કારણ કે એ.એમ.એ.એસ.એે.આર.ની જોગવાઈઓ અનુસાર પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના સમારકામ અથવા બાંધકામ માટે એનઓસી જરૂરી છે. એ.એસ.આઈ. વડોદરા સર્કલના અધિક્ષક પુરાતત્વવિદ્ અરૂણ મલિકે કહ્યું કે, રેલવેએ સત્તાધિકારી પાસેથી બાંધકામની પરવાનગી માંગવી જોઈએ. મેં આ અંગે અમદાવાદના ડીઆરએમ સાથે વાત કરી છે. રેલવે પરવાનગી મેળવવા અરજી કરવા તૈયાર થઈ ગયું છે પરંતુ જ્યાં સુધી તેને પરવાનગી ના મળે ત્યાં સુધી તેણે આ કામ બંધ કરવું પડશે. જો કે, આ મુદ્દે અમદાવાદના ડિવિઝનલ રેલવે મેેનેજર દિનેશ કુમારે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું છે અને કહ્યું છે કે, આ બે સરકારી વિભાગો વચ્ચેનો આંતરિક સંચાર હતો. એ.એસ.આઈ. દ્વારા નોટિસના પાલનનો અમલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને કહેવામાં આવ્યું છે. આ દરમિયાન મુનાફ અહેમદે કહ્યું છે કે, એ.એમ.એ.એસ.એ.આર.માં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે, ર૦૧૦ના નવા કાયદા મુજબ સંરક્ષિત સ્મારકની નજીક ‘નવું બાંધકામ કરવા માટે’ કોઈપણ અધિકારી પરવાનગી આપી શકે નહીં, માત્ર ‘જૂના બાંધકામના સમારકામ’ માટે કદાચ રાષ્ટ્રીય સ્મારક સત્તાધિકારી’ પરવાનગી આપી શકે. ઝૂલતા મિનારાએ સંરક્ષિત સ્મારક છે. તે એટલા માટે બેજોડ છે કારણ કે તેનું બાંધકામ રેતિયા પથ્થર વગર માત્ર ઈંટોથી કરવામાં આવ્યું છે. ૧૮મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન રેલવેના કાર્યને સુવિધાજનક બનાવવા માટે તેની પાસે આવેલી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. તેમ પણ તેમણે જણાવ્યું હતું. એ.એસ.આઈ.ના રેકોર્ડ્સ મુજબ, મોહમ્મદ બેગડાના શાસન બાદ ૧૬મી સદીની શરૂઆતમાં આ ઝૂલતા મિનારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. સમય જતાં, આ મિનારાના આધારસ્તંભને નુકસાન થયું હતું, જેનું થોડા સમય બાદ સમારકામ કરવામાં આવ્યું હતું.