ગાઝામાં સર્જાયેલી ખાદ્ય-સંકટની સ્થિતિ વચ્ચે રોટલી એ મુખ્ય આહાર બની રહી છે; વિસ્થાપિત પરિવારો મોંઘા બળતણ અને રસોઈના ખર્ચમાં બચત કરવા માટે સામૂહિક ભઠ્ઠીઓનો ઉપયોગ કરી રહ્યા છે
(એજન્સી) તા.૨૩
ગાઝા પટ્ટીમાં દરરોજ સવારે ૩૧ વર્ષીય અઝ્ઝા આશૂર પોતાના પાંચ બાળકો માટે લોટ બાંધે છે અને ત્યારબાદ તેને નજીકની સામૂહિક ભઠ્ઠી પર લઈ જાય છે. ગાઝાની શાળામાં બનાવાયેલા આશ્રયસ્થળમાં તેમનો પરિવાર રહે છે અને આ ભઠ્ઠી હવે તેમના માટે ભોજન મેળવવાનું મહત્વનું સાધન બની ગઈ છે. અઝ્ઝા પાસે પૈસા નથી, નિયમિત આવક નથી અને પતિ પણ ઘરે નથી. તેમના જણાવ્યા અનુસાર, મે ૨૦૨૪થી ઇઝરાયેલી સેનાએ તેમના પતિને અટકાયતમાં રાખ્યા છે. તેમનું કહેવું છે કે ઇઝરાયેલે આવા હજારો પેલેસ્ટીનીઓને કોઈ સત્તાવાર સુનાવણી વિના કેદ કરી રાખ્યા છે. અઝ્ઝા થોડા લોટમાંથી શક્ય તેટલી વધારે રોટલી બનાવવાનો પ્રયાસ કરે છે. ક્યારેક તેમાં ચીઝ કે થોડી ચોકલેટ પણ ભરે છે. ઘરમાં બીજું કંઈ ખાવાનું ન હોય ત્યારે આ રોટલી જ બાળકો માટે ભોજન બની જાય છે. એક લોટનો ટુકડો મારા બાળકોને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિભોજન ત્રણેય માટે થઈ શકે છે. અઝ્ઝા ઉત્તર ગાઝાના બેઇત હાનૂન વિસ્તારની રહેવાસી છે. ઇઝરાયેલના યુદ્ધ દરમિયાન આ વિસ્તાર મોટા પાયે નષ્ટ થયો છે. પરિવારને પહેલાં દક્ષિણ ગાઝામાં સ્થળાંતર કરવું પડ્યું અને ત્યારબાદ તેઓ પશ્ચિમ ગાઝા સિટીની કૈરો સ્કૂલમાં આવીને રહેવા લાગ્યા. આ શાળાને વિસ્થાપિત લોકો માટેના આશ્રયસ્થળમાં ફેરવવામાં આવી છે અને પરિવાર અહીં લગભગ એક વર્ષથી રહે છે. હવે પાંચ બાળકોની સંભાળ અને આખા પરિવારની જવાબદારી અઝ્ઝાના ખભા પર છે. તેમના પરિવારને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ તરફથી ડબ્બાબંધ ખાદ્યસામગ્રી મળે છે, પરંતુ ઘણી વખત તે એક કે બે મહિનામાં માત્ર એક જ વખત મળે છે. ખાવા માટે પૈસા અને પોતાની કોઈ આવક ન હોવાથી રોટલી તેમના પરિવારના ભોજનનું કેન્દ્ર બની ગઈ છે. રસોઈ કરવી પણ તેમના માટે મોટો પડકાર છે.
લાકડું કે ઈંધણ ખરીદવું તેમના માટે સતત શક્ય નથી, કારણ કે તેની કિંમત ખૂબ વધી ગઈ છે. આ પરિસ્થિતિમાં સામૂહિક ભઠ્ઠી તેમના માટે રાહત બની છે. આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સમિતિના સહયોગથી ચાલતી આ ભઠ્ઠીમાં વિસ્થાપિત પરિવારો મફતમાં પોતાનો લોટ શેકાવી શકે છે. ભઠ્ઠી શરૂ થાય તે પહેલાં અઝ્ઝાને રોટલી ખરીદવા માટે દરરોજ આશરે ૧૫ શેકેલ એટલે કે લગભગ ૫ ડોલર ખર્ચવા પડતા હતા. તેઓ કહે છે કે, આ ભઠ્ઠી અમારા માટે સૌથી મહત્વની વસ્તુ છે. રોટલી અમારા માટે ખૂબ મૂલ્યવાન છે. અઝ્ઝા જ્યાંથી પોતાની રોટલી લઈ જાય છે ત્યાંથી થોડે જ અંતરે ૩૮ વર્ષીય રાંદા અદવાન ભઠ્ઠીમાં કામ કરે છે. સાત બાળકોની માતા રાંદા સવારે લગભગ સાડા પાંચ વાગ્યે ઊઠે છે. બાળકો શાળાએ જાય તે પહેલાં તેમના માટે લોટ તૈયાર કરે છે. ત્યારબાદ સવારે સાત વાગ્યે ભઠ્ઠીમાં પોતાની ફરજ શરૂ કરે છે અને બપોર સુધી વિસ્થાપિત પરિવારો માટે રોટલી શેકે છે. તે કહે છે કે, આ કામ ખૂબ થકવી નાખે છે. હું ઘરે જાઉં છું અને સૂઈ જાઉં છું. મારા હાથ દુઃખે છે, પીઠ દુઃખે છે, માથું દુઃખે છે. હું સંપૂર્ણપણે થાકી જાઉં છું. રાંદા પાસે શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી છે. એક દિવસ તેઓ વિસ્થાપિત પરિવારો માટે સામૂહિક ભઠ્ઠીમાં રોટલી બનાવવાનું કામ કરશે, એવું તેમણે ક્યારેય વિચાર્યું નહોતું. પરંતુ યુદ્ધની પરિસ્થિતિએ તેમને આ કામ સ્વીકારવા મજબૂર કર્યા છે. ગાઝામાં નોકરીઓની ભારે અછત છે અને આવક મેળવવા માટે લોકો કોઈપણ તક શોધી રહ્યા છે. ભઠ્ઠીમાં કામ કરવાની તક પણ લોટરી દ્વારા આપવામાં આવે છે. પસંદગી પામનાર વ્યક્તિને એક મહિના માટે કામ મળે છે. રાંદા બીજી વખત આ કામ માટે પસંદ થઈ છે. તેમને દરરોજ ૭૦ શેકેલ એટલે કે આશરે ૨૩ ડોલર મળે છે. પૈસા નથી. લાકડું મોંઘું છે, પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ છે અને અલ્લાહનો આભાર કે મારી પસંદગી થઈ. ઓછામાં ઓછું બાળકો માટે ખર્ચવા મારી પાસે કંઈક તો છે. યુદ્ધ પહેલાં રાંદાના પતિ દુકાન ચલાવતા હતા અને પરિવારની જવાબદારી ઉઠાવતા હતા. હવે તેઓ બેરોજગાર છે અને રાંદાએ પરિવારની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી છે. કૈરો સ્કૂલમાં આવેલી ભઠ્ઠી આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સમિતિના એવા કાર્યક્રમનો ભાગ છે, જે ગાઝાની શાળાઓ અને આશ્રયસ્થળોમાં સામૂહિક ભઠ્ઠીઓને સહાય આપે છે.