અણનમ ૭૮@સેવાના ભેખધારી ઈમામખાન પઠાણ

હજારો સાલ નરગિસ અપની બેનૂરી પે રોતી હૈ,
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દિદાવર પૈદા

આ ઉક્તિ એવા લોકોના કિરદારને ઉજાગર કરે છે. જે લોકો દેશ અને દુનિયાને સમર્પિત થઈ માનવ સેવા જેવા ઉત્તમ કાર્યોને વરેલા હોય છે. ગુજરાતમાં પણ એવા અનેક સેવાભાવી લોકો છે, જે સેવા એ જ ધર્મના સિદ્ધાંતને સમર્પિત હોય છે. એવા જ એક સેવાના ભેખધારી છે, ઈમામખાન પઠાણ. અમદાવાદના સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સેવાની કોઈપણ કામગીરીની ચર્ચા હોય તો ઈમામખાનનું નામ પ્રથમ હરોળમાં જ હોય. હાલ ૭૮ વર્ષની ઉંમરે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા તેઓ ગુજરાત લોકહિત સેવા ટ્રસ્ટ સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ૭૮ વર્ષની અણનમ ઈનિંગ રમી રહેલા ઈમામખાન આજે પણ સેવા કરવા તત્પર છે.
આરંભિક જીવન :- અમદાવાદના પાલડી નજીક આવેલ કાગદીવાડ વિસ્તારમાં વર્ષ ૧૯૪૬માં ઈમામખાનનો જન્મ થયો. તેમના પિતા જમાલખાન અંગ્રેજ શાસન કાળમાં પોલીસમાં હતા, જ્યારે માતા નુરબીબી એક નેક દિનદાર ગૃહિણી. આઠ ભાઈ-બહેનમાં પાંચમી સંતાન એવા ઈમામખાનનો ઉછેર સુખ-સમૃદ્ધિ અને ઈસ્લામિક તાલીમ સાથે થયો. બાળપણથી જ તેમનામાં સેવાનું બીજ રોપાયું. કાગદીવાડની ઉર્દૂ શાળામાંથી પ્રાથમિક શિક્ષણ લઈ તેઓએ ન્યુ સર્વોદય હાઈસ્કૂલ, માણેકચોક, જૈનવાડીમાંથી ૧૧મું એટલે કે, મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ વધુ અભ્યાસ કરવા આગળ વધ્યા અને એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ અમદાવાદમાંથી ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરીંગ કર્યું.
કારકિર્દી :- એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો પણ મન તો સેવા તરફ એટલે પ્રથમ પસંદગી દેશ સેવા તરફ ઉતારી અને અભ્યાસ પછી ઈન્ડિયન આર્મીમાં ડોંગરા રેજીમેન્ટ જમ્મુમાં જોડાયા. અહીં જ તેમનો પ્રકૃતિ પ્રેમ પાંગર્યો અને કાશ્મીર સાથે તેમનું જોડાણ થયું. આર્મી બાદ તેઓ કોકાકોલા કંપનીમાં હેડ ઓફ શિપિંગ ડિપાર્ટમેન્ટ તરીકે જોડાયા. શરૂઆતમાં તેમની નોકરી જમાલપુરમાં હતી. એક વર્ષની નોકરી બાદ તેમને સેલ્સમેન તરીકે વડોદરા મૂક્યા. ૧૯૭૦ના વર્ષમાં તેમના નિકાહ થયા. તેઓ વડોદરા સ્થાયી થયા પરંતુ વાતાવરણ અનુકૂળ ન આવતાં તેમણે કોકાકોલા કંપનીમાં રાજીનામું આપી દીધું. પુનઃ અમદાવાદ આવ્યા અને પોતાનો બિલ્ડર ઓર્ગેનાઈઝેશન બિઝનેસ શરૂ કર્યો.
ગુરૂ સમાન કાન્તિલાલ પરમારની દોરવણી હેઠળ હઝરત બિલાલ કોર્પોરેશન હેઠળ જુહાપુરા, વેજલપુર, મોડાસા, અંકલેશ્વર ખાતે ૧૩ જેટલી સોસાયટીઓનું નિર્માણ કર્યું. હાલ તેઓ જ્યાં રહે છે તે સોસાયટીનું નિર્માણ પણ તેમણે પોતે જ કર્યું છે. એક તરફ બિલ્ડર તરીકે પ્રસિદ્ધ થયા પણ સેવાભાવિ મનમાં કંઈક ખૂટતું હતું અને એટલે જ સેવાના માર્ગે આગળ વધ્યા.
સેવા એ જ જીવન :- ઈમામખાને પોતાના સેવાભાવિ સ્વભાવનો વિસ્તાર કર્યો, વિકાસ કર્યો અને એ માર્ગે આગળ વધતા ૧૯૯૩માં ગુજરાત લોકહિત સેવા ટ્રસ્ટની સ્થાપના કરી જેના થકી તેમની સેવાકીય પ્રવૃત્તિને વધુ બળ મળ્યું. એક નાની સંસ્થા એક મોટા એનજીઓ તરીકે સ્થાપિત થઈ. જેમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ થઈ. કુદરતી કે માનવસર્જિત કે પછી આકસ્મિક આફતોમાં તેમણે સંસ્થા અને સાથીઓને સાથે રાખીને સેવાનું કાર્ય સાચા દિલથી કર્યું. આ અંગે વાતચીત કરતા તેમના જ શબ્દો છે કે, મારા સાથી મિત્રો, અન્ય સંસ્થાઓ, દાતાઓ અને જુહાપુરા-વેજલપુરના લોકોએ મને જે આપ્યું છે તેનો શબ્દો થકી આભાર વ્યક્ત કરવો મુશ્કેલ છે.
સેવાના આવા અનેક ભગીરથ કાર્યો એક વ્યક્તિ જ્યારે કરવા નીકળી પડે ત્યારે અલ્લાહનો કરમ પણ એના ઉપર અવશ્ય હોય છે. સમાજના અનેક અગ્રણીઓ અને સામાન્ય લોકોનો પણ મારા પર સહકારનો ધોધ વરસ્યો છે. કેટલાક એવા પણ નામ છે જેમને મેં જ્યારે યાદ કર્યા તેઓ તરત જ મદદે આવ્યા છે. શફીભાઈ મણીઆર અને ઈકબાલભાઈ મેમણને કેમ ભુલુ ! વળી મારી સેવાને બિરદાવવામાં અને પ્રેરણા પૂરી પાડવામાં ‘ગુજરાત ટુડે’ દૈનિક અને સુહેલભાઈ તિરમીઝી તથા અન્ય સાથીઓને પણ યાદ કરૂં છું. આ સર્વે લોકોના સહકારથી જ હું સેવાના ક્ષેત્રે વધુ કાર્યશીલ બન્યો છું. આ તમામ લોકોએ મને પ્રેરકબળ પૂરૂં પાડ્યું છે. જેના થકી હું સેવારૂપી વટવૃક્ષ બની શક્યો છું.
સંસ્થામાં રાહતદરે દવાખાનું, સિવણ ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, મોબાઈલ રિપેરિંગ કોર્સ, ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ ગરીબ વિધવા, ત્યકતા બહેનોને સ્વનિર્ભર બનવા સહાય જેવા અનેક ઉમદા અને પ્રશંસનીય કાર્યો કર્યા, જે આજ દિન સુધી ચાલુ છે. ગુજરાત લોકહિત સેવા ટ્રસ્ટમાં તેમણે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ર૦૧૯ સુધી સેવા આપી. ઉપરાંત તેઓ અમદાવાદ શહેર અને ગુજરાતની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જે પૈકી પ્રમુખ સંસ્થાઓ છે.
૧. બયતુલમાલ અને મસ્જિદે લતીફના પ્રમુખ
ર. લાયન્સ ક્લબ ઓફ સદ્‌ભાવ સિટીના ઉપપ્રમુખ
૩. વૈજનાથ મહાદેવના પૂર્વ ટ્રસ્ટી
૪. સરખેજ રોજા કમિટીના ટ્રસ્ટી
પ. વાલીમંડળ મકતમપુરાના સેક્રેટરી
૬. સિનિયર સિટીઝન ઓફ જુહાપુરામાં એડવાઈઝરી બોર્ડ મેમ્બર
૭. સેન્ટ્રલ ગવર્નમેન્ટ હ્યુમન રિસોર્સના જનશિક્ષણ સંસ્થાન અમદાવાદના બોર્ડના સભ્ય
૮. શાંતિ સમિતિના મેમ્બર
૯. સેવાભાવિ સંસ્થા અમવા હેલ્પલાઈનના મેમ્બર

  • આવી અનેક સંસ્થાઓમાં કાર્યરત છે.
    સેવાની જ ભાવના સાથે કાર્યરત ઈમામખાન પઠાણે અનેક લોકોને વગર વ્યાજની લોન આપીને પગભર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેમના માનવા પ્રમાણે ઝકાત લેનાર વ્યક્તિ ઝકાત આપનાર બની જાય તો બીજું શું જોઈએ. આજે ૭૮ વર્ષે પણ તેઓ અણનમ સેવાકીય કાર્ય કરી રહ્યા છે, તેમના મને સેવાના કામમાં નિવૃત્તિ કેવી ?
    યાદગાર પ્રસંગ : ઈમામખાન પઠાણ પ્રકૃતિ પ્રેમી છે. પ્રકૃતિ પ્રત્યે તેમને ખૂબ લગાવ છે. તેઓ અનેકવાર કાશ્મીરની મુલાકાતે ગયેલા છે. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય કોને નથી આકર્ષતું ? તેઓ જ્યારે કાશ્મીર જાય ત્યારે કાયમ લાલચોકમાં જ રોકાતા. સેવાકીય સ્વભાવને કારણે ત્યાંના લોકો સાથે પણ તેમણે આત્મીયતાના સંબંધો કેળવ્યા હતા. વાત છે વર્ષ ૧૯૭૪-૭પની કાશ્મીરમાં પૂર આવ્યું જે લાલચોકમાં ઈમામખાન રોકાતા હતા ત્યાં બે માળ સુધી પાણી આવી ગયું, માલની ભારે પાયમાલી થઈ, કામ-ધંધા ઠપ થઈ ગયા. આ સમાચારથી ઈમામખાનનું દિલ દ્રવી ઉઠ્યું. કાશ્મીર સાથે જોડાયેલા લાગણીના તંતુઓ હચમચી ઉઠ્યા, આંખો ભીની થઈ. અલ્લાહને યાદ કરી ઊભા થયા અને કાશ્મીરની મદદ માટે વિસ્તારમાં નીકળી પડ્યા. લોકોએ પણ દિલથી ખૂબ મદદ કરી. ત્રણ ટ્રક ભરીને કપડા, અનાજ, ઘર-વખરી સહિતનો સામાન લઈ તેઓ જાતે પૂર પીડિતોની મદદ કરવા પહોંચી ગયા. આ કામગીરીની એટલી પ્રશંસા થઈ કે, જાણીતા અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’એ આ સમાચારને ‘એન્જલ ઓફ સિટી’ના બિરૂદ સાથે પ્રકાશિત કર્યા. આ વાત આજે પણ દોહરાવતી વખતે ઈમામખાન ગળગળા થઈ જાય છે, સાચે જ આવા હોય સેવાભાવિ યોદ્ધાઓ.
    સંદેશ :- અપને હિસ્સે કા જલાતા રહે હર શખ્સ ચિરાગ,
    તબ કહીં જા કે જમાને મેં ઉજાલા હોગા.
    સેવાનો દિપક પ્રગટાવી સમાજમાં અજવાળું કરનાર ઈમામખાને સમાજના લોકોને ધ્યાને રાખી એક સરસ વાત કહી છે. તેમના મતે દીની અને દુન્યવી તાલીમ જરૂરી છે. સાથે-સાથે ભાઈચારો પણ જરૂરી છે, એકતા જરૂરી છે, સંગઠિત થવું જરૂરી છે, સબળ નેતૃત્વ જરૂરી છે, કોમને મદદરૂપ થવું જરૂરી છે. બધા જ લોકો પોતાની જવાબદારી સમજી ઈમાનદારીપૂર્વક સંગઠિત થઈ આગળ વધશે તો કટ્ટરવાદી અને કોમવાદી પરિબળોને જરૂર નાથી શકીશું. આ માટે સત્તામાં ભાગીદારી પણ જરૂરી છે ત્યારે આપણું સંગઠિત થવું ખૂબ જ જરૂરી છે. વળી જે લોકો સમાજના હિત માટે ઊભા રહે છે, લડે છે તેવા લોકોનું પીઠબળ બનવું પણ જરૂરી છે. જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય તેમ દેશમાં કેટલાક કટ્ટરવાદી પરિબળો જરૂર છે પણ તે સિવાયના સારા લોકો સાથે આપણે મિત્રતા અને ભાઈચારાના સંબંધો કાયમ કરીશું તો આવનાર સમય જ કટ્ટરવાદી પરિબળોને જાકારો આપશે. સાથે જ તેમણે ‘ગુજરાત ટુડે’ની નીડર અને બાહોશ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું કે, સમાજ માટે નીડરતા, સત્યપ્રિયતા અને ઈમાનદારીથી કાર્ય કરનારા ‘ગુજરાત ટુડે’ની પડખે આખા સમાજે બમણાં જોશથી ઊભા રહેવાની જરૂર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts