‘અત્યારે નહીં, તો ક્યારે ?: ગાઝાની આરોગ્ય પ્રણાલી સંપૂર્ણપણે ભાંગી પડી, પેલેસ્ટીને ભારત પાસે માંગી તાત્કાલિક તબીબી સહાય

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
અમેરિકા અને ઈરાન વચ્ચે ૧૧૦ દિવસથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરાર પર હસ્તાક્ષર થયાના બીજા જ દિવસે, ભારતમાં પેલેસ્ટીનના દૂતાવાસે નવી દિલ્હી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પેલેસ્ટીનના નાગરિકો માટે માનવતાવાદી અને તબીબી સહાયનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. દૂતાવાસે ગાઝા અને ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠા (વેસ્ટ બેંક)માં આરોગ્ય સંકટ વધુ ઘેરો બનવાની ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા પેલેસ્ટીનના રાજદૂત અબ્દુલ્લા એમ. અબુ શાવેશે જણાવ્યું હતું કે, ગાઝામાં ચાલી રહેલા લશ્કરી હુમલાઓને કારણે પેલેસ્ટીન પ્રદેશની આરોગ્ય પ્રણાલી સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ છે. તેમણે ભારતને આ પ્રદેશમાં શાંતિ સ્થાપવા અને માનવતાવાદી રાહત કાર્યોમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી છે. પેલેસ્ટીનના રાજદૂતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આરોગ્ય મૈત્રી’ અભિયાનનો હવાલો આપીને તાત્કાલિક તબીબી હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે ભાવુક અપીલ કરતાં જણાવ્યું કે, “હજારો નિર્દોષ નાગરિકોના જીવ બચાવવા માટે આ જ યોગ્ય સમય છે. જો ભારત અને ભારતના લોકો નહીં, તો કોણ ? અને જો અત્યારે નહીં, તો ક્યારે ?” તેમણે અમેરિકા-ઈરાન વચ્ચેના વચગાળાના કરારને આવકારતાં આશા વ્યક્ત કરી હતી કે આનાથી સમગ્ર ક્ષેત્રમાં તણાવ ઓછો થશે અને કાયમી શાંતિનો માર્ગ મોકળો થશે. ગાઝાની પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવતા રાજદૂતે વિશ્વ આરોગ્ય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્રના આંકડા ટાંક્યા હતા. તેમણે જણાવ્યું કે ગાઝામાં હજી પણ અંદાજે ૧૨,૦૦૦થી વધુ મૃતદેહો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. કબરસ્તાનોને નુકસાન થવાને કારણે અવશેષો ખુલ્લામાં પડી રહ્યા છે. સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગવાને કારણે ચામડીના રોગો અને ચેપી રોગચાળો ફાટી નીકળવાનો મોટો ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત, ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટીનના કરવેરાની આવક રોકી રાખવા જેવા પગલાંઓને કારણે પશ્ચિમ કાંઠાની જાહેર આરોગ્ય સંસ્થાઓની કામગીરી પણ ખોરવાઈ ગઈ છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, પેલેસ્ટીનની આરોગ્ય પ્રણાલીમાં દવાઓ અને તબીબી સામગ્રીની ભયંકર અછત સર્જાઈ છેઃ
શસ્ત્રક્રિયાઓમાં ઘટાડો : પશ્ચિમ કાંઠાની સરકારી હોસ્પિટલોમાં ગયા વર્ષે અંદાજે ૬૫,૦૦૦ શસ્ત્રક્રિયાઓ (સર્જરી) થઈ હતી, તેની સરખામણીએ વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં માત્ર ૧૯,૫૦૦ શસ્ત્રક્રિયાઓ જ થઈ શકી છે. ક્ષમતાના અભાવે ૧૧,૦૦૦થી વધુ નક્કી થયેલા ઓપરેશનો પાછા ઠેલવા પડ્યા છે.જરૂરી દવાઓનો અભાવ : પેલેસ્ટીન આરોગ્ય મંત્રાલયને ૫૨૦ આવશ્યક દવાઓની જરૂર છે, જેમાંથી ૧૮૦ દવાઓનો જથ્થો સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે.કેન્સરની સારવાર બંધ : કેન્સર અને ગાંઠની સારવાર માટે વપરાતી ૯૭ દવાઓમાંથી ૫૦ દવાઓ બજારમાં ઉપલબ્ધ નથી, જેના કારણે અંદાજે ૪,૦૦૦ કેન્સર પીડિત દર્દીઓનું જીવન સીધા જોખમમાં મૂકાયું છે. પેલેસ્ટીને ભારત સરકાર પાસે આ માનવતાવાદી કટોકટીના સમયે તાત્કાલિક મદદની આશા વ્યક્ત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks