યુરોપિયન યુનિયનમાં ૮૦થી વધુ દેશો તથા પક્ષોના પ્રતિનિધિઓને સંબોધતા પેલેસ્ટીની PM શતાય્યેહે અમેરિકી નીતિઓને ફગાવવા માટે એક થવા આહ્વાન કર્યું
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
પેલેસ્ટીન શાસનના વડાપ્રધાન મોહમ્મદ શતાય્યેહે એવી ચિંતા વ્યક્ત કરી છે કે, નવેમ્બરમાં જો અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીવાર ચાર વર્ષ માટે ચૂંટાશે તો ભારે ગંભીર સ્થિતિ સર્જાશે. તેમણે યુરોપિયન સંસદની વિદેશી બાબતોની કમિટી સમક્ષ આ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણી ઘણી મહત્વની છે. જો ટ્રમ્પ ચાર વર્ષ માટે ફરીવાર ચૂંટાશે તો અલ્લાહ અમારી, યુરોપિયન યુનિયન અને સમગ્ર વિશ્વની અલ્લાહ મદદ કરે. તેમણે કહ્યું કે, ટ્રમ્પે દરેકનો ચાર વર્ષનો સમય વેડફ્યો છે સાથે જ ઉમેર્યું કે, અમેરિકાની મધ્યપૂર્વમાં શાંતિ યોજના માત્ર દેખાડો છે અને કહેવા પૂરતી જ છે. આ સોદા પૂરા થવાના નથી. ટ્રમ્પની યોજનાને પેલેસ્ટીન, આરબ દેશો અને યુરોપે ફગાવી દીધી છે. અમેરિકા અત્યંત ભેદભાવભરી નીતિ અપનાવી રહ્યું છે. યુરોપમાં વિવિધ દેશો અને પાર્ટીઓના ૮૦થી વધુ પ્રતિનિધિઓને સંબોધતા શતાય્યેહે યુરોપિયન યુનિયનને અપીલ કરી કે, તેઓ ભવિષ્યની કોઇપણ રાજકીય પ્રક્રિયામાં સક્રીય ભૂમિકા ભજવે. પેલેસ્ટીનને સ્વતંત્ર દેશ ગણાવવાની હાકલ કરતા તેમણે કહ્યું કે, હાલની પ્રવર્તમાન સ્થિતિને તોડવાની તરૂર છે જેનાથી ઇઝરાયેલના અતિક્રમણકારી પગલાં દ્વારા પેલેસ્ટીને ઘણું બધું ભોગવ્યું છે. આના કારણે પેલેસ્ટીને ઘણું ગુમાવ્યું છે. આ બેઠકમાં તેમણે યુરોપિયન યુનિયનને અપીલ કરી હતી કે, તે મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપવાની અમેરિકાની કહેવાતી મોનોપોલીનો અંત લાવવા માટે બધા પક્ષો એકસાથે આવે.