(એજન્સી) તા.૯
૨૦૧૮માં ૨,જાન્યુ.ની કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટકીય રીતે ઇરાન વિરુદ્ધ પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી અને એચબીઓના ગેમ ઓફ થ્રોન્સનો ઉલ્લેખ કરીને પોસ્ટર રજૂ કરીને લખ્યું હતું કે પ્રતિબંધો આવી રહ્યાં છે. બે વર્ષ બાદ ડેમોક્રેટીક હરીફ જો બાઈડેન સામે રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણીમાં ટ્રમ્પના નિશ્ચિત પરાજય બાદ ઇરાનીઓએ બદલો લેવા માટે ટ્રમ્પને એ જ પોસ્ટરથી જવાબ આપ્યો હતો. જો કે આ વખતે તેમાં લખ્યું હતું કે હવે તમારો અંત આવી રહ્યો છે. ઘણા ઇરાનીઓને બાઈડેનનો વિજય રાહત તરીકે આવ્યો છે, ખાસ કરીને જેઓ દમનકારી પ્રતિબંધોને ભોગવી રહ્યાં છે એવા સામાન્ય લોકોએ એ વખતે અમેરિકાની ચૂંટણી પર નજર રાખી હતી. તેમણે એ વાતનો આનંદ વ્યક્ત કર્યો છે કે બાઈડેન પ્રમુખ બનતા હવે તેમની સ્થિતિમાં થોડો સુધારો થશે. જો કે ઇરાનના સર્વોપરી નેતા આયાતોલ્લા અલી ખોમેનાઈ અને હસન રુહાનીએ ઇરાન પર અમેરિકાના ચૂંટણીના પ્રભાવને બહુ મહત્વ આપ્યું નથી. ખોમેનાઈએ મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકાની ચૂંટણી ગમે તે જીતે પરંતુ વોશિંગ્ટન પ્રત્યે તહેરાનની નીતિ યથાવત રહેશે. બાઈડેનના સત્તાવાર વિજય બાદ ઇરાનના વિદેશ પ્રધાન જાવેદ ઝરીફે પ્રથમ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તેમના વલણમાં કોઇ ફેરફાર થયો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૫માં ઇરાને જે છ મહા વિશ્વસત્તાઓ સાથે અણુ સંધિ પર સહી કરી હતી. તેમાંથી હટી જઇને તહેરાન વિરુદ્ધ ફરીથી પ્રતિબંધો લાદ્યાં હતાં. અમેરિકાના પ્રતિબંધોને કારણે ઇરાનના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે ઇરાનના ચલણનું અવમૂલ્યન થયું છે અને ફુગાવો વધી ગયો છે. આ ઉપરાંત ઇરાન કોવિડ-૧૯ સંકટનો સામનો પણ કરી રહ્યો છે. પ્રમુખ રુહાનીએ તમામ શત્રુતાભર્યા પગલાં માટે વ્હાઇટહાઉસને જવાબદાર ગણાવ્યું છે. જો કે રુહાનીના આલોચકો જણાવે છે કે સરકારની નબળાઇ અને નબળું વ્યવસ્થાપન આ સ્થિતિ માટે જવાબદાર છે. જો કે હાલ એવું જણાય છે કે અમેરિકા અને ઇરાનના સંબંધોમાં જો બાઈડેન સંઘર્ષનું જોખમ નિવારશે પરંતુ હજુ દુરોગામી યોજના અસ્પષ્ટ છે. જેની અમેરિકન પ્રજા પર સીધી અસર પડે છે એવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ જો બાઈડેન ઇરાન પ્રત્યે કેવી નીતિ અપનાવવા માગે છે તે હજુ અસ્પષ્ટ છે.