(એજન્સી) તા.૨૫
ગાઝામાં ઈઝરાયેલી નરસંહાર અને તેના પરિણામોએ ભયાનક વળાંક લીધો છે. એએફપી અને અલ જઝીરા જેવી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાઓએ જણાવ્યું છે કે ગાઝામાં તૈનાત પત્રકારો હવે ભૂખમરાથી મરવાની આરે છે. "ગાઝા મરી રહ્યું છે, અમે તેની સાથે મરી રહ્યા છીએ" – આ નિવેદન આ ક્ષણે સમગ્ર પરિસ્થિતિનું સૌથી ભયાનક પાસું બની ગયું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ભૂખમરા અને કુપોષણને કારણે ૧૦ લોકોનાં મોત થયા છે, જેમાં ૮૦ બાળકો સહિત ભૂખમરાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૧૧૧ થઈ ગઈ છે. એએફપી અને અલ જઝીરાના અહેવાલો અનુસાર, ગાઝામાં તેમના ક્ષેત્રના પત્રકારો ખોરાક, પાણી અને દવાઓ વિના અત્યંત ગંભીર પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. એક સ્થાનિક પત્રકારે જણાવ્યું કે- "અમે અમારી રિપોર્ટિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ હવે શરીર અમને સાથ નથી આપી રહ્યું." ગાઝાની તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, જે બાળકો જીવિત છે તેઓની ચામડીથી હાડકાં છે અને તેમની આંખોમાં આંસુ નથી. શિશુ મૃત્યુદરમાં ઝડપથી વધારો થયો છે, અને હોસ્પિટલોમાં પોષણ નથી, ઓક્સિજન નથી અને સારવારની પ્રાથમિક સુવિધાઓ નથી. યુનાઇટેડ નેશન્સ અને ઘણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ઇઝરાયેલ દ્વારા ગાઝાની સરહદો સીલ કરવા અને માનવતાવાદી સહાય રોકવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સેક્રેટરી જનરલે તેને "આધુનિક નરસંહાર તરફનું પગલું" ગણાવ્યું છે. પરંતુ રાહત સામગ્રી હજુ ગાઝા સુધી પહોંચી શકી નથી. વિશ્વભરના માનવાધિકાર સંગઠનો અને પત્રકાર સંગઠનોએ ગાઝાની સ્થિતિ પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે જણાવ્યું છે કે જો મીડિયાના લોકો ભૂખથી મરવા લાગે તો તે "લોકશાહી, સ્વતંત્રતા અને માનવતાનો અંત" છે. અલ જઝીરાના રિપોર્ટરે જણાવ્યું કે- ગાઝાના રસ્તાઓ પર ભૂખ, લાશો અને મૌન ફેલાયેલ છે. "અમે ફક્ત આ જ પૂછવા માંગીએ છીએ – શું બાળકને માત્ર એટલા માટે ભૂખે મરવું જોઈએ કે તેનો જન્મ ગાઝામાં થયો હતો ?" આ પ્રશ્ન હવે અંતરાત્માને હચમચાવી રહ્યો છે. ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને નાકાબંધીના કારણે વસ્તીને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓથી વંચિત રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે બાળકો અને વૃદ્ધો ભૂખથી સૌથી વધુ પ્રભાવિત છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રાહત સામગ્રીની સપ્લાયમાં અવરોધો પરિસ્થિતિને જટિલ બનાવી રહ્યા છે. છહ્લઁ અને અલ જઝીરાએ આ સંકટને રોકવા માટે ગાઝાને માનવતાવાદી સહાય વધારવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે. પત્રકારોની સુરક્ષા અને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી એ પણ આ સંકટના ઉકેલનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.