(એજન્સી) અયોધ્યા, તા.ર૭
અદાલતે એક દલિત વ્યક્તિ પર હુમલો કરવા અને જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કરવાના કેસમાં આરોપી પ્રેમ નાથ મિશ્રાને દોષિત ઠેરવ્યો છે. સોમવારે, જીઝ્ર-જી્ એક્ટ હેઠળના વિશેષ ન્યાયાધીશ દીપક યાદવે આરોપીને ત્રણ વર્ષ અને છ મહિનાની જેલની સજા તેમજ ૧૪,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઘટના ૨૦૧૨માં કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સુમેરપુર ગામમાં બની હતી. સરકારી પક્ષ (પ્રોસિક્યુશન) અનુસાર, ૯ ડિસેમ્બરના રોજ સવારે લગભગ ૮ વાગ્યે હુબ લાલ ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પ્રેમ નાથ મિશ્રાએ તેમનો પીછો કર્યો, લાકડીઓ વડે તેમના પર હુમલો કર્યો અને જાતિસૂચક અપશબ્દો કહીને તેમનું અપમાન કર્યું. આરોપ છે કે તેણે હુબ લાલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે હુબ લાલના ભત્રીજા વિનોદ અને તેમના ભાઈની પત્ની ધેલાએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. સુનાવણી દરમિયાન, ૭૩ વર્ષીય પીડિત હુબ લાલે અદાલતમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સરકારી પક્ષે સાત સાક્ષીઓને રજૂ કર્યા હતા. સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે, ન્યાયાધીશે પ્રેમ નાથ મિશ્રાને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે.