
આ લોહિયાળ ઘટનામાં પાંચ દલિત પુરૂષોના જીવ ગયા હતા અને ૪૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, લક્ષ્મીપેટામાં ફાટી નીકળેલી આ હિંસાએ તત્કાલીન અવિભાજિત આંધ્રપ્રદેશને હચમચાવી નાંખ્યું હતું
(એજન્સી) તા.૧૬
૧૨ વર્ષ પહેલાં ૧૨ જૂન, ૨૦૧૨ના રોજ ઉત્તર આંધ્રના શ્રીકાકુલમ જિલ્લાના મદુવાલસા જળાશયના અયાકટની બાજુમાં આવેલ એક નાનકડું ગામ લક્ષ્મીપેટા, ચોમાસાની શરૂઆત સાથે કૃષિ પ્રવૃત્તિઓની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે તુર્પુકાપુસના ટોળાએ લાકડીઓ, ભાલા, દેશી બનાવટના બોમ્બ, છરી, કુહાડી, પથ્થરો અને મરચાંના પાવડર વડે માલાસ (દલિત તરીકે વર્ગીકૃત) પર હુમલો કર્યો હતો. આ લોહિયાળ ઘટનામાં પાંચ દલિત પુરૂષોના જીવ ગયા અને ૪૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન એન. કિરણકુમાર રેડ્ડી, પોલીસ સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં આશ્રય લઈ રહેલા હિંસામાંથી બચી ગયેલા લોકો અને અન્ય દલિતો સાથે મળવા માટે રાજમ ગયા હતા. અસરગ્રસ્ત સમુદાયને ન્યાય અને પુનર્વસનની ખાતરી આપતા રાજ્ય સરકારે છ મહિનામાં ન્યાય આપવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરી હતી પણ છેલ્લા ૧૨ વર્ષથી બચી ગયેલા લોકોને ન્યાય મળ્યો નથી એટલું જ નહીં, સત્તાવાળાઓ દ્વારા તેમને વચન આપવામાં આવેલ વળતર અને પુનર્વસન પેકેજ પણ તેઓને હજુ સુધી પ્રાપ્ત થયું નથી.
ન્યાય માટે લક્ષ્મીપેટા દલિતોની લાંબી પ્રતીક્ષા આપણને યાદ અપાવે છે કે, જો ન્યાય ઝડપી ન મળે તો તેનો અર્થ એ છે કે, ન્યાય બિલકુલ મળતો નથી. આ પ્રકારની ઉદ્ધતાઈ માત્ર આ દેશના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના ન્યાયતંત્ર અને કાયદા અમલીકરણ એજન્સીઓમાંના વિશ્વાસને નબળો પાડે છે. લક્ષ્મીપેટા એ ૨૧ ગામો પૈકી એક હતું કે, જ્યાંથી રાજ્ય સરકારે જોડિયા વેગાવતી અને સુવર્ણમુખી નદીઓ પર મડુવાલસા જળાશય પ્રોજેક્ટ માટે ૭૮૫૨ એકર જમીન સંપાદિત કરી હતી. છ મંડળો હેઠળ આવતા ૧૦૪ ગામોમાં ૨૪,૭૦૦ એકરથી વધુ જમીનને સિંચાઈ કરવા માટે આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી હતી. પ્રોજેક્ટ માટે જમીન છીનવી લેવામાં આવી તે પહેલાં લક્ષ્મીપેટામાં ૪૫૦ એકર જમીન હતી. તુર્પુકાપુસનો જમીન પર એકાધિકાર હતો, ત્યારે ધોબી, વાળંદ અને બ્રાહ્મણો જેવી જાતિના સભ્યો પાસે જમીનના અમુક ભાગો હતા. બીજી તરફ દલિતો, જો કે, ભૂમિહીન હતા અને ખેત મજૂર તરીકે નિર્વાહ મેળવતા હતા. જ્યારે આ પ્રોજેક્ટ ૨૦૦૨માં પૂર્ણ થયો ત્યારે ૧૨૪ જેટલા તુર્પુકાપુ પરિવારો, અન્ય જાતિના ૧૬ પરિવારો અને ૬૦ દલિત પરિવારો જળાશયની સિંચાઈની નજીકમાં પુનર્વસન વસાહતમાં સ્થળાંતર થયા. લગભગ ૫૪ તુર્પુકાપુ પરિવારો સરકાર તરફથી વળતર અને રોજગારની આશા સાથે અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા.
નવા પુનઃ સ્થાપિત લક્ષ્મીપેટા ગામમાં એક નવી સામાજિક રચના જોવા મળી હતી અને દલિતો અને તુર્પુકાપુસને એકબીજાની બાજુમાં રહેવાનું હતું. આનાથી અત્યાર સુધીની જ્ઞાતિની અસ્પૃશ્યતાને વિક્ષેપિત કરી હતી, પરંતુ તુર્પુકાપુસ અને અન્ય અને અસ્પૃશ્યો (માલા-દલિતો) વચ્ચેનું શારીરિક અને સામાજિક અંતર પણ ઘટાડ્યું હતું, જેના કારણે ગામમાં તણાવ વધ્યો હતો. જળાશયની ઊંચાઈમાં બે ફૂટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેના કારણે ૨૫૦ એકર સંપાદિત જમીન પ્રોજેક્ટ માટે બિનઉપયોગી બની ગઈ હતી. આ જમીનમાંથી ૧૯૦ એકર તુર્પુકાપસ દ્વારા તેમને વળતર અને પુનર્વસન પેકેજ મળવા છતાં ખેતી કરવામાં આવી હતી, જ્યારે ૬૦ એકરમાં દલિતો દ્વારા ખેતી કરવામાં આવી હતી. તુર્પુકાપસ એ હકીકતને સહન કરી શક્યા નહીં કે માલા સમુદાય જેઓ અત્યાર સુધી તેમની દયા પર રહેતા હતા, તેમની પાસે હવે તેમની પોતાની જમીન હતી. દલિતોને તેમના હિસ્સા તરીકે મળેલી ૬૦ એકર જમીન અગાઉ દેવકીવાડા નામના પડોશી ગામના તુર્પુકાપુસની માલિકીની હતી. દેવકીવાડાના ગ્રામજનોએ વળતર મેળવ્યા બાદ તેમની જમીનો છોડીને સ્થળાંતર કર્યું હતું.
હિંસામાં ફાળો આપનાર અન્ય મહત્ત્વનું પરિબળ એક દલિત મહિલાની સરપંચ તરીકેની ચૂંટણી હતી. સર્વસંમતિથી ચૂંટાયેલી ગ્રામ પંચાયતો માટેની જોગવાઈઓ હેઠળ, ગ્રામ વિકાસ માટે રૂા.૫ લાખ ફાળવવામાં આવ્યા હતા. સરપંચે દલિત વસાહતમાં પીવાનું પાણી, રસ્તા અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે ભંડોળ બહાર પાડ્યું હતું. ઉપરોક્ત પરિબળોના કારણે દલિતો અને તુર્પુકાપુસ વચ્ચે સંઘર્ષ થયો. તણાવ વધતો ગયો અને બંને જૂથોએ ઘણી વખત પોલીસ ફરિયાદો નોંધાવી હતી.
પૂર્વયોજિત યોજના અનુસાર ૧૨ જૂન, ૨૦૧૨ના રોજ તુર્પુકાપુસના ટોળાએ આંધ્રપ્રદેશમાં દલિતો સામે ઘાતક હુમલાઓ કર્યા હતા. આ ભયાનક હિંસામાંથી બચી ગયેલા લોકો અને નાગરિક સમાજ સંગઠનોના સભ્યો સહિત ઘણા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ અને ગુનેગારો વચ્ચે ગુપ્ત સાંઠગાંઠ હતી.
લોકપ્રિય દલિત નેતા અને ડાંડોરાના સ્થાપક અને મદિગા આરક્ષણ પોરાતા સમિતિ (સ્ઇઁજી), મંદા કૃષ્ણ મદિગા અને તેમના કાર્યકરોએ અન્ય દલિત જૂથો સાથે પીડિતોની મુલાકાત લીધી અને રાજ્યવ્યાપી વિરોધ શરૂ કર્યું અને આ હિંસાની નિંદા કરી. પૂર્વ મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડી અને રાજ્યના અન્ય રાજકીય નેતાઓએ પીડિતોને ન્યાયની માગણી સાથે ગુસ્સે ભરાયેલા દલિતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દલિતોએ તત્કાલીન કેબિનેટ મંત્રી બોત્સાસત્યનારાયણના નજીકના સંબંધી બોટસા વાસુદેવરાવ નાયડુ સહિત તમામ ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી હતી. જ્યાં સુધી સ્વાભિમાન, ગૌરવ અને રક્ષણ માટેની તેમની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓએ સરકારી સહાય અને વળતર સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આ બચી ગયેલા અને દલિત સંગઠનોની માગણીઓના જવાબમાં છ મહિનાની અંદર ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે લક્ષ્મીપેટા ગામમાં એક વિશેષ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. પરિણામે રાજ્ય સરકારે ૨૦૧૨માં લક્ષ્મીપેટા ગામમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરી. તેની સ્થાપનાને ૧૨ વર્ષ વીતી ગયા હોવા છતાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ હજુ સુધી ચુકાદો આપી શકી નથી. લક્ષ્મીપેટા હત્યાકાંડ જેવા કિસ્સાઓ દર્શાવે છે કે, ન્યાયતંત્ર પણ ઘણીવાર વિશેષાધિકારોનો પક્ષ લે છે, સમાજના સૌથી નીચલા સ્તરના લોકો સાથે ન્યાય કરવામાં નિષ્ફળ જાય છે. દલિતો વિરુદ્ધ હિંસા અને પડતર કેસોના બેકલોગ માટે આંધ્રપ્રદેશ દેશના ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર ૨૦૧૬ અને ૨૦૨૧ની વચ્ચે પોલીસ સ્ટેશનોમાં ૧૫,૦૦૦થી વધુ કેસ પેન્ડિંગ છે. આ જ સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશની અદાલતોમાં ૩૨,૨૧૨ કેસ પેન્ડિંગ હતા. આ સમસ્યાને અસરકારક રીતે ઉકેલવા માટે સમાજમાં પ્રણાલીગત ફેરફારો લાગુ કરવા અને જરૂરી સંસ્થાકીય સુધારા કરવા જરૂરી છે. પોલીસ અને ન્યાયતંત્ર સહિત રાજ્યના તંત્રએ જરૂરી ફેરફારો લાવવા અને પીડિતોને ન્યાય આપવા માટે હાલના કાયદાઓનો કડક અમલ કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.