અમદાવાદ, તા. ૧૨
અક્ષરઘાન આતંકવાદી હુમલાના આરોપોમાંથી નિર્દોષ છૂટ્યાના બે વર્ષમાં જ મુફ્તિ અબ્દુલ કૈયુમે ૪૨૫ વિદ્યાર્થીઓ સાથે પોતાની શાળા શરૂ કરી છે જેમાં દીની સાથે દુન્યવી શિક્ષણનું મિશ્રણ પિરસવામાં આવે છે. જોકે, તેમને શાળા ચલાવવા માટે જે પુરતી જગ્યા જોઇએ તે મળી રહી નથી. વર્ષ ૨૦૦૨ના અક્ષરધામ આતંકવાદી હુમલા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકાયા બાદ ૨૦૧૬માં મુફ્તિ અબ્દુલ કૈયુમે કાલુપુરમાં પોતાની શાળા શરૂ કરી હતી. જે પાંટપટ્ટીની કરોડા પોલમાં આવેલી છે અને ફક્ત આઠ રૂમ સાથે તેને ચલાવવામાં આવી રહી છે. જોકે, વિદ્યાર્થીઓની સંખ્યા વધતા અને હંમેશા શાળાની મુલાકાત લેતા વાલીઓ તથા સંચાલનમાં જગ્યાના અભાવે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સ્થાનિકોની મુશ્કેલીઓને લઇ શાળા સંચાલન ગયા વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ગયું હતું અને બાકર અલીની પોળમાં આવેલી તેમની શાળાઓમાંથી એકને ફાળવવાની માગ કરી હતી જે ગુજરાતના તોફાનો બાદથ બંધ પડી છે. જોકે, એએમસી અને જમિયત વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટ વચ્ચે સંકલન સધાઇ ગયું હોવા છતાં અત્યારસુધી કોઇ નક્કર નિર્ણય કરાયો નથી.
સમાચાર એજન્સી સાથે વાત કરતા મુફ્તિ અબ્દુલ કૈયુમ મન્સુરીએ કહ્યું હતું કે, અમે બે વર્ષ પહેલા ૧૮૫ બાળકો સાથે સ્થાનિક રહેણાંક વિસ્તારમાં શાળા શરૂ કરી હતી જે રહેણાંક મકાન અમે બે વર્ષ માટે ભાડે લીધું હતું. પરંતુ આજે અમે જગ્યાના અભાવે વધુ બાળકોને શાળામાં સ્થાન આપી શકતા નથી. આ ઇમારત હાલ મસ્જિદ નજીક આવેલી છે. શાળાની ઇમારતમાં આવવાની જગ્યા ઘણી સાંકળી છે અને વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને લીધે વધુ મુશ્કેલી સર્જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કેટલીક મ્યુનિસિપલશાળાઓ બંધ પડી છે. તે તમામને અમે શૈક્ષણિક કાર્ય માટે માગી રહ્યા છીએ. એક ઉર્દૂ શાળા પણ છે જે ઘણા વર્ષોથી બંધ પડી છે. અમે એએમસીને એકાઉન્ટ્સ, શિક્ષકોની સંખ્યા, વિદ્યાર્થીઓ, સ્ટેટમેન્ટ, રજિસ્ટર નંબર વગેરે બધી જ વિગતો પુરી પાડી છે અને અમે એમ પણ કહ્યું છે કે, અમે ઇમારતનું સમારકામ કરાવી લઇશું. અમે હવે મુશ્કેલીમાં આવી ગયા છીએ કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. એએમસી સ્કૂલ બોર્ડ અધિકારી લખધીર દેસાઇએ કહ્યું કે, આ શાળા બોર્ડની છે અને અમે તેનેપ્રાઇવેટ શાળા માટે આપી શકીએ નહીં. અમે તેને કોઇ અન્ય કામ માટે વાપરી શકીએ છીએ. કદાચ તેને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાયન્સ મોડેલ મુકવા માટે પણ વાપરી શકાય પરંતુ અત્યારે કોઇને આપી ન શકાય.
મુફ્તિ મન્સુરીએ કહ્યું કે, જ્યારે હું જેલમાં હતો અને મુક્ત થવાના કેટલાક દિવસો પહેલા જ મેં સદનસીબે સાચર સમિતીનો અહેવાલ વાંચ્યો હતો અને સમજાયું કે, મુસ્લિમો આજે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને જ્યારે સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે ત્યારેઆ સમાજ પાછળ ધકેલાઇ રહ્યો છે. ત્યારે મને શાળા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો અને તેમાં મોર્ડન શિક્ષણ સાથે આપણા સાંસ્કૃતિક શિક્ષણનું પણ સંતુલન રાખવાનો વિચાર આવ્યો હતો. આજના વાલીઓ પોતાના બાળકોને ફક્ત ધાર્મિક શિક્ષણ જ નહીં પરંતુ સારૂ સામાજિક શિક્ષણ આપવા ઇચ્છે છે. આ માગને પુરી કરવાનો પ્રયાસ અમારી શાળાએ કર્યો છે. શિક્ષણના નામે પાઠ્યપુસ્તકોમાં આજે ઇતિહાસ બદલવામાં આવે છે અને અભ્યાસક્રમ બદલી નાખવામાં આવે છે. તેથી અમે મદ્રેસા અને શિક્ષણ આપવાનું સાથે કામ કરી રહ્યા છીએ.