નવી દિલ્હી, તા.૩
ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાને નમન એવોર્ડ્સ ૨૦૨૫માં બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ ૨૦૨૩-૨૪ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતા નૌશાદ ખાનને આપ્યો છે. મુંબઈના આ ક્રિકેટરે ૨૦૨૪માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રાજકોટમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ દરમ્યાન લાંબા સમય સુધી રાહ જોયા બાદ પદાર્પણ કર્યું હતું. સરફરાઝે પોતાની પ્રથમ ઇનિંગમાં અર્ધસદી ફટકારી શાનદાર શરૂઆત કરી હતી. આ બેટ્સમેને બીજી ઇનિંગમાં એકવાર ફરી પોતાની દૃઢતાનો પરિચય આપ્યો, ૭૨ બોલમાં ૬ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી ૬૮ રન બનાવી અણનમ રહ્યો. ભારતે આ મેચમાં ૪૩૪ રને શાનદાર જીત મેળવી. પહેલી ફેબ્રુઆરીએ નમન એવોર્ડ્સમાં સરફરાઝને બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ એવોર્ડથી સન્માનિત કરાયો. ત્યારબાદ ક્રિકેટરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોતાના પિતાની સાથે એક તસવીર શેર કરી અને પોતાની સફળતાનો શ્રેય તેમને આપ્યો. તેણે લખ્યું કે, આનો શ્રેય ફક્ત આ માણસને જાય છે અબુજી ખૂબ-ખૂબ આભાર. સરફરાઝને તાજેતરમાં સમાપ્ત થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમવાની તક મળી ન હતી. ફેબ્રુઆરી ૨૦૨૪માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનાર સરફરાઝ ખાને ભારત માટે ૬ ટેસ્ટ મેચ રમી છે. તેણે ૩૭.૧૦ની સરેરાશથી ૩૭૧ રન બનાવ્યા છે જેમાં ત્રણ અર્ધસદી અને એક સદી સામેલ છે. તેણે સૌથી શાનદાર પ્રદર્શન ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં કર્યું જ્યાં તેણે ૧૯૫ બોલમાં ૧૫૦ રન બનાવ્યા હતા.