ભારતનો મહિલા અને પુરૂષ ક્રિકેટમાં હાઇએસ્ટ વન-ડે સ્કોર, પ્રતિકા રાવલ (૧૫૪) અને સ્મૃતિ મંધાના (૧૩૫)ની શાનદાર સદી
રાજકોટ, તા.૧૫
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે આયરલેન્ડ વિરુદ્ધ ઇતિહાસ રચી દીધો. ભારતે રાજકોટમાં ત્રીજી વન-ડેમાં ૪૩૫ રન બનાવી નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં પાંચ વિકેટના નુકસાને આટલા રન બનાવ્યા છે. આ ભારતનો મહિલા અને પુરૂષ ક્રિકેટમાં હાઇએસ્ટ વન-ડે સ્કોર છે. ભારતીય મહિલા ટીમે પહેલીવાર ૪૦૦નો આંકડો પાર કર્યો છે. ભારતીય મહિલા ટીમનો આ પહેલા હાઇએસ્ટ સ્કોર ૩૭૦ હતો, જે હાલમાં જ આયરલેન્ડ વિરુદ્ધ બીજી વન-ડેમાં બન્યો હતો. ભારતનો ઓવરઓલ ગત રેકોર્ડ પાંચ વિકેટે ૪૧૮ રન હતો, જે ભારતીય પુરૂષ ટીમે ૨૦૧૧માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બનાવ્યો હતો. મહિલા વન-ડે ઇતિહાસમાં છઠ્ઠીવાર ૪૦૦થી વધુનો સ્કોર બન્યો છે. ન્યુઝીલેન્ડે હાઇએસ્ટ ચાર વખત આ કમાલ કરી છે. આયરલેન્ડ વિરુદ્ધ અંતિમ મેચમાં ઓપનર પ્રતિકા રાવલે ૧૫૪ રનની ઇનિંગ રમી. તેણે ૧૨૯ બોલનો સામનો કર્યા બાદ ૨૦ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. તેણે મહિલા વન-ડેમાં ભારત માટે ત્રીજી સૌથી મોટી ઇનિંગ રમી. તેની આગળ દીપ્તિ શર્મા અને હરમનપ્રીત કૌર છે. દીપ્તિએ ૨૦૧૭માં આયરલેન્ડ વિરુદ્ધ ૧૮૮ રન બનાવ્યા હતા જ્યારે હરમનપ્રીતે ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અણનમ ૧૭૧ રનની ઇનિંગ રમી હતી. પ્રતિકાનું બેટ હાલમાં ખૂબ જ રન વરસાવી રહ્યું છે. તે ડિસેમ્બર ૨૦૨૪માં ડેબ્યુ બાદથી છવાઈ ગઈ છે. પ્રતિકાએ અત્યાર સુધી ૬ વન-ડે ઇનિંગોમાં ૭૪ની સરેરાશથી ૪૪૪ રન બનાવ્યા છે. તે શરૂઆતની ૬ મહિલા વન-ડે મેચો બાદ કોઈપણ ખેલાડી દ્વારા બનાવાયેલા હાઇએસ્ટ રન છે. તેણે થાઇલેન્ડની નત્થાકન ચંથમને પાછળ પાડી છે જેણે ૬ વન-ડેમાં ૩૨૨ રન બનાવ્યા હતા.