
નવી દિલ્હી, તા.૧૩
લખનૌ સુપર જાયન્ટસના આયુષ બદોની અને અરશદ ખાને દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ મેચ દરમ્યાન ટુર્નામેન્ટના ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી. આઈપીએલ રેકોર્ડ બુક પોતાનું નામ નોંધાવી દીધું છે. લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ એલએસજી જ્યારે ૯૪ રનમાં જ ૭ વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે બંને એક સાથે ક્રિઝ પર આવ્યા તેમણે ૭૩ રનની અણનમ ભાગીદારી કરી આત્મવિશ્વાસ બતાવ્યો. આ ભાગીદારીના ફક્ત આઈપીએલ ઈતિહાસની આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે પણ ટુર્નામેન્ટના ઈતિહાસમાં આઠમી વિકેટ અથવા તેનાથી નીચે માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે. આ કેટેગરીમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ ગુજરાત ટાઈટન્સના રાશીદખાન અને અલ્ઝારી જોસેફના નામે છે. જેમણે ટુર્નામેન્ટની ગત સિઝનમાં મુંબઈ સામે ૮૮ રનની ભાગીદારી કરી હતી.