(એજન્સી)
તેલ અવીવ, તા.૩૦
ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટે પેલેસ્ટીનના કબજા હેઠળના વેસ્ટબેંકમાં ખાનગી માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર બંધાયેલ ફક્ત યહૂદીઓની વસાહતને દુર કરવા આદેશ આપ્યો છે. આ વસાહત ૨૦ વર્ષ પહેલા બંધાયેલ છે અને તેઓ કહે છે કે ઇઝરાયેલ સરકારની પરવાનગી મેળવેલ છે. જોર્ડન વેલીની આઉટ-પોસ્ટ મિત્ઝ્પે ક્રામીમ પર બંધાયેલ વસાહતમાં ૪૦ કુટુંબો રહે છે.
કોર્ટે પેલેસ્ટીની અરજદાર દ્વારા ૨૦૧૧માં દાખલ કરેલ અરજી સ્વીકારતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ૨૦૧૮ના ચુકાદાને રદ્દ કર્યું હતું. જે ચુકાદાથી પેલેસ્ટીનીઓે રોષે ભરાયા હતા. ૨૦૧૮નો ચુકાદો ઇઝરાયેલના કાયદાના આધારે આપવામાં આવ્યો હતો. જે મુજબ જમીનની માલિકી પેલેસ્ટીનની હતી એ જાણવા સિવાય જો શુદ્ધબુદ્ધિથી વ્યવહાર કરાયો હોય અથવા સરકારે તે સ્થળે બાંધકામ કરવા પરવાનગી આપી હોય તો કાયદાકીય ભૂલને માફ કરી શકાય કોર્ટે અવલોકન કર્યું હતું કે ઇઝરાયેલના સત્તાવાળા ઓએ શુદ્ધબુદ્ધિથી વર્તન નથી કર્યું. છેલ્લા કેટલાક વર્ષોથી ચેતવણીઓ આપી હતી કે જમીન પેલેસ્ટીનની માલિકીની છે તેમ છતાય એની અવગણના કરી હતી. કોર્ટે સત્તાવાળાઓને ૩૬ મહિનામાં વસાહતો ખાલી કરવા જણાવ્યું છે. ચુકાદા સામે પ્રતિભાવ આપતા વડાપ્રધાન નેત્યાનાહુએ કહ્યું, “કોર્ટના ચુકાદાથી મને દુઃખ થયું છે. ચુકાદો ખોટો છે. મેં મારી ઓફિસના ડાયરેક્ટર જનરલને સૂચના આપી છે કે તેઓ કોમના પ્રતિનિધિઓ સાથે મળે. અમે અમારાથી બનતું બધું કરીશું કે જેથી નિવાસીઓ ત્યાં જ રહે. ઇઝરાયેલના રક્ષામંત્રીએ કહ્યું કે રોષ ફેલાવનાર આ ચુકાદો નથી તાર્કિક કે નથી ન્યાયી. ૧૯૬૭થી લઇ આજ સુધી અંદાજિત ૬,૫૦,૦૦૦ ઈઝરાયેલી વસતીઓએ કબજા હેઠળના વેસ્ટબેંક અને જેરૂસલેમમાં ગેરકાયદે વસાહતો ઊભી કરી છે જે બધી આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે.