(એજન્સી) તા.૨૮
ઇઝરાયેલના ફાર-રાઇટ (ઉગ્રવાદી) મંત્રીઓ, કાયદા ઘડવૈયાઓ અને સેટલમેન્ટ નેતાઓએ યાદ મોર્ડેચાઇ વિસ્તારથી ગાઝા સરહદ તરફ માર્ચ યોજી હતી. આ માર્ચ દરમિયાન ઇઝરાયેલી હુમલાઓથી સંપૂર્ણપણે તબાહ થયેલા ગાઝા પટ્ટીમાં નવા યહૂદી વસવાટો (સેટલમેન્ટ્સ) સ્થાપવાની હાકલ કરવામાં આવી હતી. આ ઘટનાક્રમ બાદ ગાઝા સરહદી વિસ્તારના સ્થાનિક અને સેટલમેન્ટ કાઉન્સિલના વડાઓએ ગાઝા પટ્ટીનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેમણે ઇઝરાયેલી લશ્કરી અધિકારીઓ અને સૈનિકો સાથે મુલાકાત કરીને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા. આ પ્રવાસ દરમિયાન સેટલમેન્ટ નેતાઓની સાથે ઇઝરાયેલી સધર્ન કમાન્ડના ચીફ મેજર જનરલ યાનિવ અસોર અને ગાઝા ડિવિઝન કમાન્ડર બ્રિગેડિયર જનરલ લીરોન બિટિટો ઉપસ્થિત રહ્યા હતા. લશ્કરી અધિકારીઓ દ્વારા સેટલમેન્ટ નેતાઓને ગાઝામાં ચાલી રહેલા લશ્કરી ઓપરેશન્સ અંગે સુરક્ષા માહિતી આપવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ સરહદી વિસ્તારોમાં સેટલમેન્ટ્સનું રક્ષણ કરવાનો અને ચાલુ રહેલા જોખમો સામે લડવાનો હતો. પ્રવાસ બાદ ઇઝરાયેલી મીડિયા સાથે વાત કરતા સ્દેરોટના મેયર અલોન દાવિદીએ જણાવ્યું હતું કે, ‘અહીં માત્ર એક જ ઉકેલ છે – હમાસ પર સતત હુમલા કરતા રહેવું.’ તેમણે પેલેસ્ટીન વિરૂદ્ધ ભૂખમરાને હથિયાર તરીકે વાપરવાની સ્પષ્ટ માંગ કરતા કહ્યું કે, ‘ડ્રોન અને પતંગો લોન્ચ કરનારાઓ પર હુમલો કરીને આતંકવાદીઓનો સફાયો કરવો જોઈએ. જીતવાનો આ જ એકમાત્ર રસ્તો છે. જો આપણે ખોરાકનો પુરવઠો રોકીને અને નાગરિક પ્રતિબંધો લગાવીને દબાણ લાવવું પડે, તો પણ આપણે કરવું જોઈએ.’ અલોન દાવિદીએ ઉમેર્યું હતું કે, સ્દેરોટમાં માત્ર બે અઠવાડિયામાં ૩,૦૦૦ સેટલમેન્ટ હાઉસિંગ યુનિટ્સ વેચાયા છે, જેને તેમણે ‘સાચી જીત’ ગણાવી હતી. તેમણે ઇઝરાયેલ સરકારને હમાસ અને હિઝબુલ્લાહ સામે અંત સુધી લડાઈ ચાલુ રાખવાની અપીલ કરી હતી. નોંધનીય છે કે, આ પ્રવાસમાં એશકોલ સેટલમેન્ટ કાઉન્સિલના વડા ઉપરાંત સ્દોત નેગેવ અને શાઅર હાનેગેવ કાઉન્સિલના વડાઓ પણ જોડાયા હતા.