(એજન્સી) વોશિંગ્ટન/બેરૂત, તા.૨૦
મધ્યપૂર્વમાં છેલ્લા કેટલાય સપ્તાહથી ચાલી રહેલા ભીષણ સરહદી સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ શુક્રવારથી યુદ્ધવિરામ કરવા માટે સંમત થયા છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ શાંતિ સમજૂતી શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે ૪ વાગ્યાથી અમલમાં આવી છે. બંને પક્ષો વચ્ચે આ યુદ્ધવિરામ કરાવવામાં અમેરિકા, કતાર અને ઈરાનની મધ્યસ્થતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જો કે, આ જાહેરાતના થોડા સમય પહેલા જ બંને તરફથી થયેલા ભારે ગોળીબારે આ શાંતિ સમજૂતી કેટલી નાજુક છે તે સાબિત કરી દીધું છે. આ યુદ્ધવિરામ એ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેની દુશ્મનાવટનો અંત લાવવા માટેના સઘન રાજદ્વારી પ્રયાસોનું પરિણામ છે. પ્રાદેશિક શાંતિ પ્રક્રિયા ખોરવાઈ જવાની આશંકા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા, કતાર અને ઈરાનના મધ્યસ્થો સતત વાટાઘાટો કરી રહ્યા હતા. લેબેનોનમાં વધી રહેલી હિંસા પ્રાદેશિક વાટાઘાટોને નુકસાન ન પહોંચાડે તે માટે આ ત્રણેય દેશોએ તણાવ ઘટાડવા પર ભાર મૂક્યો હતો. આ મહત્ત્વપૂર્ણ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલી હવાઈ હુમલા અને વળતા જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં ભારે વધારો થયો હતો, જેમાં ઇઝરાયેલના સૈનિકો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. લેબેનોનના અધિકારીઓએ ઇઝરાયેલ પર સતત લશ્કરી કાર્યવાહી કરીને શાંતિ પ્રયાસોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો હતો.ઇઝરાયેલનો તર્ક : બીજી તરફ, ઇઝરાયેલી નેતાઓએ દલીલ કરી હતી કે, તેમના ઉત્તરીય સરહદી વિસ્તારોના નાગરિકોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવા માટે લશ્કરી કાર્યવાહી જરૂરી હતી.
લેબેનોનની આ લડાઈની અસર અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલી વ્યાપક રાજદ્વારી સમજૂતી પર પણ પડી રહી છે. ઈરાને અગાઉ સંકેત આપ્યો હતો કે, લેબેનોનની સ્થિતિ તેની આગામી વાટાઘાટોની દિશા નક્કી કરશે. જો કે, આ યુદ્ધવિરામથી હિંસા અટકવાની આશા ચોક્કસ જન્મી છે, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે, ભૂતકાળમાં પણ આવા ઘણા શાંતિ કરારોનો ભંગ થયો છે. આથી, આગામી દિવસોમાં આ સંધિનું પાલન થાય છે કે, નહીં તેના પર દેખરેખ રાખવી અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે.