(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
પેલેસ્ટીન શરણાર્થીઓ માટેની યુનોની એજન્સીએ રવિવારે એક નિવેદનમાં જાહેર કર્યું હતું કે ઇઝરાયેલના સત્તાવાળાઓ ગાઝાના નાગરિકોને ભૂખે મારી નાખવા માટે ભૂખમરાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. યુનોની એજન્સી યુએનઆરડબલ્યુએના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝામાં દસ લાખથી વધુ બાળકો સહિત તમામ નાગરિકોને ઇઝરાયેલ ભૂખે મારી રહ્યું છે. ગાઝા ફરતે લાગુ કરવામાં આવેલો પ્રતિબંધ તાત્કાલિક ઉઠાવી લેવા માટે અપીલ કરતાં યુનો એજન્સીએ જણાવ્યું છે કે યુનોની સંસ્થાને અનાજ અને દવાઓ લઈને અંદર જવા દો અને પ્રતિબંધ ઉઠાવી લો. સહાય મેળવતા નાગરિકોને અટકાવી ન શકાય અને એમનું રક્ષણ કરવું પડે એવા આંતરરાષ્ટ્રીય કાનૂની નીતિ નિયમો હોવા છતાં ઇઝરાયેલ દ્વારા બીજી માર્ચથી ગાઝા ફરતે સખત ઘેરાવ કરી રાખ્યો છે અને કોઈ પણ પ્રકારની સહાય અંદર જવા દેવાતો નથી અને પ્રતિબંધ મૂકી દીધો છે. સહાયના જેટલા ટ્રક અને કાફલા જાય છે તેના પર બોમ્બ મારું કરવામાં આવે છે અને સરહદ પાર કરવા દેવામાં આવતા નથી. એટલું જ નહીં સહાયના કેન્દ્રો ઉપર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે અને અનાજ લેવા જતા અને દવાઓ લેવા જતા નાગરિકો પર બેફામ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે આ તમામ પ્રકારની કાર્યવાહી એ સામૂહિક સજા કરવા જેવી છે અને યુદ્ધ અપરાધ સમાન છે. ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે સેકડો બાળકો અત્યાર સુધીમાં ભૂખમરાને કારણે અને શરીરમાં પાણી ખલાસ થઈ જવાથી મૃત્યુ પામ્યા છે અને બીજા હજારો બાળકોના જીવન પર જોખમની તલવાર લટકી રહી છે. કેમ કે અનાજ વિતરણ અને આરોગ્ય સેવાઓ બંને બિલકુલ ઠપ થઈ ગયા છે. શનિવારે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં સહાયની રાહ જોઈ રહેલા ૩૮ નાગરિકો સહિત ૧૩૬ પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ થયા હતા. ગાઝા પર ઇઝરાયેલના આક્રમણ પછી અત્યાર સુધીમાં ૫૯,૦૦૦ નાગરિકો માર્યા ગયા છે જેમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો છે.