ઇઝરાયેલ દ્વારા બ્રિટિશ કન્સ્યુલેટ બંધ કરવાનો નિર્ણય પેલેસ્ટીનીઓને સજા આપવા માટે : રાજદ્વારીઓ

 

ઓક્યુપાઇડ વેસ્ટ બેંકમાં ગેરકાયદેસર ઇઝરાયેલી વસાહતો પર યુકે દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના બદલામાં ઇઝરાયેલે આ પગલું ભર્યું

 

(એજન્સી) જેરૂસલેમ, તા.૧૨
વેસ્ટ બેંકમાં ગેરકાયદેસર ઇઝરાયેલી વસાહતો સામે બ્રિટન (યુકે) દ્વારા નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ, તેના બદલામાં ઇઝરાયેલે ઇસ્ટ જેરૂસલેમમાં આવેલા બ્રિટિશ કન્સ્યુલેટને બંધ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયેલના વિદેશ પ્રધાન ગિડીયન સારની આ જાહેરાત બાદ ભૂતપૂર્વ ઇઝરાયેલી રાજદ્વારીઓએ ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ને જણાવ્યું હતું કે, ઇઝરાયેલનો આ નિર્ણય વાસ્તવમાં પેલેસ્ટીનીઓને સજા આપવા માટે ઘડવામાં આવ્યો છે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી રાજદ્વારી રહી ચૂકેલા અલોન લીએલે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલની આ પ્રતિક્રિયા બ્રિટન સામે નથી પરંતુ પેલેસ્ટીન સામે છે. કારણ કે જેરૂસલેમમાં બ્રિટિશ કન્સ્યુલેટ બંધ થવાથી – જે વાસ્તવમાં પેલેસ્ટીન માટે બ્રિટિશ એમ્બેસી સમાન છે – પેલેસ્ટીનીઓને મોટું નુકસાન થશે.” તેમણે ઉમેર્યું હતું કે વસાહતી આંદોલનની આક્રમકતાને કારણે ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી રહ્યું છે અને આ નિર્ણય દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે પેલેસ્ટીનીઓને મદદ કરવાથી તેઓએ વધુ ભોગવવું પડશે. અન્ય એક ભૂતપૂર્વ ઇઝરાયેલી રાજદ્વારી નાદાવ તમીરે જણાવ્યું હતું કે, જે પેલેસ્ટીનીઓ યુકે સાથે સંપર્ક સાધવા માગે છે – પછી ભલે તેઓ યુકેના નાગરિક હોય કે ન હોય – તેમના માટે આ કન્સ્યુલેટ મહત્વનું સ્થળ હતું. તેને બંધ કરવાથી પેલેસ્ટીનીઓને સીધી અસર થશે અને તેનાથી યુકેના હિતોને પણ નુકસાન પહોંચશે. સાઉથ આફ્રિકામાં ઇઝરાયેલના ભૂતપૂર્વ અમ્બેસેડર ઇલાન બારૂચે પણ સ્પષ્ટ કર્યું હતું કે જેરૂસલેમમાં આવેલું આ કન્સ્યુલેટ મુખ્યત્વે પેલેસ્ટીની ઓથોરિટી સાથેના સંબંધો અને કામગીરી સંભાળવા માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ બ્રિટિશ કન્સ્યુલેટ ઇસ્ટ જેરૂસલેમના શેખ જેરાહ વિસ્તારમાં આવેલું છે, જેને ઇઝરાયેલે ગેરકાયદેસર રીતે કબજે કરેલું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks