આ કૃત્યે મને અસહજ કરી અને મારી ગોપનીયતા તથા ગરિમાનું ઉલ્લંઘન કર્યું : પીડિતા શાઇસ્તા; સોશિયલ મીડિયા યુઝર્સે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત એમ.વાય. હોસ્પિટલમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ખરગોનની એક મુસ્લિમ મહિલા સાથે હોસ્પિટલના પુરૂષ સિક્યુરિટી ગાર્ડે ગેરવર્તણૂક કરી તેના નકાબને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતા શાઇસ્તાના જણાવ્યા અનુસાર આ ઘટના હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ કઢાવવાની પ્રક્રિયા દરમિયાન બની હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પુરૂષ સિક્યુરિટી ગાર્ડે તેને બહાર ધકેલવાનો પ્રયાસ કર્યો, તેનો નકાબ ખેંચ્યો અને તેની સાથે ગેરવર્તણૂક કરીને તેનો વીડિયો બનાવી લેવાની ધમકી આપી હતી. આ કૃત્યથી તેની ગોપનીયતા અને ગરિમાનું ભારે ઉલ્લંઘન થયું છે. મહિલાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેણે ગાર્ડના આ વર્તન સામે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે, તેની સાથે આવું વર્તન કરવાનો તેને કોઈ અધિકાર નથી, ત્યારે ઓપીડી (OPD)માં હાજર અન્ય એક મહિલા પણ ત્યાં આવી પહોંચી હતી અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગી હતી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં સુરક્ષા કર્મચારીઓના આવા વર્તન સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. યુઝર્સે વહીવટીતંત્રની મૌન પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા, હોસ્પિટલના CCTV ફૂટેજ જાહેર કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. જાહેર સંસ્થાઓમાં મહિલાઓની સુરક્ષા અને ધાર્મિક પોશાકની ગરિમાને લઈને ઊભેલા આ ગંભીર મુદ્દા પર સમાચાર પ્રકાશિત થવા સુધી હોસ્પિટલ પ્રશાસન કે અન્ય સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.