(એજન્સી) જેરૂસલેમ, તા.૧૪
સમગ્ર ગાઝાપટ્ટી વિસ્તાર પર સોમવારે ઈઝરાયેલ દ્વારા ભયાનક અને ભીષણ બોમ્બમારો ચાલુ રાખવામાં આવતા પીવાના પાણીની રાહ જોઈ રહેલા સાત બાળકો સહિત ૯૫ પેલેસ્ટીનીઓના મૃત્યુ થયા હતા. જ્યારે એક માર્કેટ પર હવાઈ હુમલો થતાં બીજા ૧૭ નાગરિકો માર્યા ગયા હતા.
ગાઝાના વિસ્થાપિત પેલેસ્ટીની નાગરિકો માટે રફાહમાં અલગ કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવવાના ઈઝરાયેલના ઈરાદાની ભારે ટીકા થઈ રહી છે. ઈઝરાયેલના વિપક્ષી નેતા યાઈર લેપીડે સરકારના આયોજનની ટીકા કરી છે અને કહ્યું છે કે જો પેલેસ્ટીની નાગરિકોને આ કેમ્પમાંથી બહાર જવા ન દેવાય તો એ કોન્સન્ટ્રેશન કેમ્પ સમાન જ ગણાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આવા કેમ્પ હિટલરે યહૂદીઓ માટે ઊભા કર્યા હતા. બીજી તરફ યુનોની આઠ એજન્સીએ ચેતવણી આપી છે કે ઈંધણનો પુરવઠો ન હોવાથી ગાઝામાં રાહત અને સહાય કામગીરી રોકવી પડશે.