
(એજન્સી) તા. ૧૪
દુર્ગેશ સોલંકી મર્ડર કેસ : ઈન્દોરના રવિદાસ નગરમાં દલિત યુવક દુર્ગેશ સોલંકીની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ગુસ્સો છવાયો હતો. અખિલ ભારતીય બલાઈ મહાસંઘના સભ્યોએ તેમના પરિવારો સાથે આરોપીઓના ઘર તોડી પાડવા અને મૃતકના આશ્રિતોને રાહતની રકમની માંગણી સાથે લાસુડિયા પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને પગલે કલાકો સુધી રસ્તો બ્લોક રહ્યો હતો. દલિત નેતા મનોજ પરમારે પોલીસ અધિકારીઓને જણાવ્યું કે, ‘છેલ્લા ૧૫ દિવસમાં દલિત સમાજના ત્રીજા સભ્યની હત્યા કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી કરતી નથી તેથી આરોપીઓનું મનોબળ ઉંચુ જાય છે. જો અમને ન્યાય નહીં મળે તો હિંસક આંદોલન કરવામાં આવશે.’ મનોજ પરમારે તાજેતરમાં બાણગંગા વિસ્તારમાં થયેલી હત્યાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા કોટેશ્વર ચૌરે અને તેના પિતા બલરામની પણ પ્રભાવશાળી સમાજના લોકોએ હત્યા કરી હતી. પોલીસ પ્રશાસને ન્યાયની ખાતરી આપી હતી, પરંતુ ન તો આરોપીઓના ઘર તોડવામાં આવ્યા કે ન તો કોઈ રાહત રકમ મંજૂર કરવામાં આવી હતી. મનોજ પરમારે પોલીસના ઢીલા વલણ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, પોલીસની બેદરકારીના કારણે જ ગુનાઓ વધી રહ્યા છે. દુર્ગેશ સોલંકીની હત્યા પણ આ આળસનું જ પરિણામ છે.તેઓએ પોલીસે પાસે વહેલી તકે આરોપીઓના મકાનો તોડી પાડવા તેમજ મૃતકના પરિવારને રાહતની રકમ આપવાની માંગ કરી છે. વિરોધ દરમિયાન બલાઈ મહાસંઘના ચિન્ટુ માલવિયા, ઋષિત માલવિયા, લકી માલવિયા, શુભમ માલવિયા, સંતોષ અલોન, લક્ષ્મણ ખેડે, વિકાસ પાથરોડ, દિનેશ હિરવે, રિક્કુ સોની, દિનેશ કુલપારે, પવન ભાવસાર, સચિન કોચલે, પ્રશાંત સાવનેર, કાન્હા બકાવલે, રાકેશ સોલંકી, ગૌરવ વાનખેડે રિશી માલવિયાં વગેરે હાજર રહ્યા હતા.