અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવનારી કઠોર પ્રતિબંધોની જાહેરાત પહેલાં ઈરાને પડોશી અને અન્ય દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તેઓ આર્થિક યુદ્ધમાં સામેલ થશે તો તેમને દુશ્મન ગણવામાં આવશે
(એજન્સી) તેહરાન, તા.૨૩
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને અલગ કરવા અને તેની સરકારને નબળી પાડવા માટે અત્યારસુધીના સૌથી કઠોર આર્થિક પ્રતિબંધો લાદવાની જાહેરાત બાદ ઈરાને આર્થિક યુદ્ધમાં જોડાનારા દેશો સામે વળતી કાર્યવાહી કરવાની ગંભીર ચેતવણી આપી છે. આ દરમિયાન મિસરમાં ઈરાન અને વોશિંગ્ટનને રાજદ્વારી માર્ગે પાછા ફરવા અને ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહસિન રેજાઈએ સ્ટેટ બ્રોડકાસ્ટરને જણાવ્યું હતું કે, ઈરાને વિશ્વભરના દેશો અને તેના પડોશીઓને અમેરિકાના આર્થિક યુદ્ધમાં ન જોડાવા અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે, જે પણ દેશ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદવામાં ભાગ લેશે તેને દુશ્મન ગણવામાં આવશે અને ઈરાન તરફથી પ્રચંડ વળતો જવાબ આપવામાં આવશે. રેજાઈએ સ્પષ્ટ કર્યું કે, પ્રથમ તબક્કામાં વાટાઘાટો દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ જો અન્ય દેશો અમેરિકાથી અંતર નહીં રાખે તો ઈરાન તેમના હિતોને નિશાન બનાવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જાહેરાત કરી હતી કે, તેમની સરકાર ઈરાન વિરૂદ્ધ અત્યારસુધીનું સૌથી આર્થિક રીતે કચડી નાખનારૂં અભિયાન ચલાવશે અને ઈરાનને કોઈપણ પ્રકારની આર્થિક સહાય કે જીવાદોરી પૂરી પાડનાર દેશો પર ભારે આર્થિક પરિણામો આવશે. યુએસ ટ્રેજરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ આ ધમકીનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, આ મામલે દેશોએ કાં તો અમેરિકાની સાથે રહેવું પડશે અથવા સામે રહેવું પડશે. દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ યુએસ પ્રતિબંધોને આંતરરાષ્ટ્રીય કાયદા વિરૂદ્ધ ગણાવતા તેની ટીકા કરી હતી. બીજી બાજુ, ઇજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અબ્દેલતી અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી, જેમાં ક્ષેત્રના તણાવને દૂર કરવા અને ફરીથી રાજદ્વારી માર્ગ અપનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા અવરોધ વચ્ચે ઈરાને ફક્ત ઇરાકી ઓઈલ ટેન્કરોને પસાર થવાની વિશેષ મંજૂરી આપી છે, જ્યારે અન્ય વ્યાપારી શિપિંગ અંગે ઓમાન સાથેની વાતચીત હજુ જારી છે.