મધ્યસ્થીઓ મારફતે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંદેશા વ્યવહાર યથાવત્ • હૌથી બળવાખોરોના વિસ્તાર પર સઉદીના હુમલા બાદ જિઝાન પર પલટવાર • તુર્કીયે દ્વારા વેસ્ટ બેંકમાં હિંસાની સખત શબ્દોમાં નિંદા
(એજન્સી) તા.૨૫
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા પ્રાદેશિક સંઘર્ષ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંવાદ પ્રક્રિયા ચાલુ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકી દળો ‘લોક્ડ એન્ડ લોડેડ’ (હુમલા માટે સંપૂર્ણ સજ્જ) છે, પરંતુ સંવાદ ચાલુ હોવાથી ઈરાન પર ધમકી આપ્યા મુજબના “મોટા” હુમલાની કદાચ જરૂર નહીં પડે. તહેરાન સ્થિત અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે મધ્યસ્થીઓ દ્વારા બંને દેશો વચ્ચે પ્રસ્તાવની આપલે થઈ રહી છે. જોકે, ભૂતકાળના કડવા અનુભવો, ભારે અવિશ્વાસ અને મૂળભૂત રાજદ્વારી મતભેદોને કારણે હજુ સુધી આ વાટાઘાટોમાં કોઈ મોટી પ્રગતિ થઈ શકી નથી. બીજી તરફ, મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ફેલાઈ રહી છે. સઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને યમનમાં હૌથી બળવાખોરોના કબ્જા હેઠળના હુદૈદાહ શહેર પર હવાઈ હુમલા કર્યા છે. સઉદી અરેબિયાની આશંકા છે કે તેલના ટેન્કરો પર થયેલા હુમલા કમરાન ટાપુ પરથી કરવામાં આવ્યા હતા. આ હુમલાના જવાબમાં હૌથીઓએ દક્ષિણ સઉદી અરેબિયાના જિઝાન પ્રાંત પર વહેલી સવારે શ્રેણીબદ્ધ હુમલા કરીને પલટવાર કર્યો છે. આ હુમલાને કારણે જિઝાનમાં આગ લાગવાના અહેવાલો સામે આવ્યા છે, તેમજ અબહા ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી અને સઉદીના નાગરિકો માટે સાયરન વગાડીને ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય, તુર્કીયેએ કબ્જા હેઠળના પેલેસ્ટાઈની પ્રદેશોમાં વધી રહેલી વસાહતી (સેટલર) હિંસાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તુર્કીયેના વિદેશ મંત્રાલયે શુક્રવારે ચાર પેલેસ્ટીનીઓની હત્યા માટે ઈઝરાયેલની બેન્જામિન નેતાન્યાહુ સરકારના પ્રોત્સાહન હેઠળ કામ કરતા વસાહતીઓને જવાબદાર ઠેરવ્યા છે. તુર્કીયેએ આ હત્યાઓને ઈઝરાયેલની “નર સંહાર નીતિ”નો ભાગ ગણાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ પ્રકારના ગુનાઓ સામે કડક પગલાં ભરવા અને જવાબદારોને સજા અપાવવા હાકલ કરી છે.