• ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને જણાવ્યું કે, યુદ્ધનો અંત આવવો જ જોઈએ અને તેહરાન “મજબૂત સ્થિતિમાં” છે ત્યારે જ તેને સમાપ્ત કરવું વધુ સારૂં છે
• લેબેનોનના હિઝબુલ્લાહે અલ્-કુદ્સ ફોર્સના નિયંત્રણ હેઠળ કામ કરવાના યુએસના દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો
(એજન્સી) તા.૨૧
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે, યુદ્ધનો અંત કોઈને કોઈ સમયે આવવો જ જોઈએ અને જ્યારે તેહરાન ‘મજબૂત સ્થિતિમાં’ છે ત્યારે જ આ યુદ્ધ સમાપ્ત કરવું વધુ સારૂં રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઈરાન કોઈ પણ પ્રકારની દાદાગીરી કે દબાણ સામે ઝૂકશે નહીં. બીજી તરફ, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સીએનબીસી (CNBC) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વોશિંગ્ટન ઈરાનની સરકારને આર્થિક રીતે નબળી પાડવા માટે તેના પર ‘ઇતિહાસના સૌથી કડક પ્રતિબંધો’ લાદશે. યુએસએ ચીન સહિતના અન્ય દેશોને પણ આ પ્રયાસમાં જોડાવા માટે હાકલ કરી છે.યુએસ દાવા સામે હિઝબુલ્લાહનો આકરો વિરોધ : લેબેનોનના હિઝબુલ્લાહ જૂથે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (RGC)ની વિંગ અલ્-કુદ્સ ફોર્સના કમાન્ડ હેઠળ કામ કરવાના યુએસના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. વોશિંગ્ટન દ્વારા નવા પ્રતિબંધોની જાહેરાત અને જૂથના હોદ્દામાં ફેરફાર કર્યા બાદ હિઝબુલ્લાહે આ નિવેદન બહાર પાડ્યું હતું. પોતાના નિવેદનમાં જૂથે આક્ષેપ કર્યો હતો કે, અમેરિકા આ પ્રકારના દાવાઓ કરીને હિઝબુલ્લાહ, તેના સમર્થકો અને તેના નાણાકીય નેટવર્કને લક્ષ્ય બનાવવાની પોતાની જૂની નીતિને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, યુએસ પ્રતિબંધોનો મુખ્ય હેતુ લેબેનોનને નબળું પાડવાનો અને ઈઝરાયેલનું રક્ષણ કરવાનો છે.ઈરાન સાથેના સંબંધો અને પ્રતિકારનું વલણ : તેહરાન સાથેના પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતા હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે, ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો અમારો ગાઢ અનેભાઈચારાનો સંબંધ એવો છે જેના પર અમને ગર્વ છે.’ જૂથે સ્પષ્ટ કર્યું કે, તેમની લેબેનોની ઓળખ સાબિત કરવા માટે તેમને વોશિંગ્ટનની પ્રમાણપત્રની જરૂર નથી. તેમણે અમેરિકા પર અન્ય જૂથો કે દેશોની રાષ્ટ્રીય ઓળખ નક્કી કરવાનો નૈતિક કે કાનૂની અધિકાર ન હોવાનો આરોપ લગાવ્યો હતો. હિઝબુલ્લાહે ભારપૂર્વક જણાવ્યું કે, યુએસના પ્રતિબંધો અને નવા વર્ગીકરણથી તેમના વલણમાં કોઈ ફેરફાર નહીં આવે અને તેઓ પોતાના ક્ષેત્ર, સાર્વભૌમત્વ તથા સંસાધનોનું રક્ષણ કરવાના અધિકાર અને ‘પ્રતિકારના માર્ગ’ પર અવિરતપણે આગળ વધતા રહેશે.